વારંવાર
ઊભરાતી ગટરની સમસ્યાથી કાયમી ઉકેલ લાવવા માંગ
તંત્રના
વાંકે મંદિરે દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને રહીશોને ગટરના ગંદા પાણીમાંથી
ચાલવા મજબૂર
ધોળકા –
ધોળકાના ટેકરીયા હનુમાન મંદિર પાસે ગટરના પાણી ઊભરાતા
સ્થાનિકોે અકળાયા છે. તંત્રના વાંકે મંદિરે દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને
રહીશોને ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર થયા છે. વિસ્તારમાં વારંવાર ઊભરાતી
ગટરની સમસ્યાથી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
ધોળકા
શહેરમાં પાંડવકાલીન ટેકરીયા હનુમાનજીના મંદિરવાળા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા
સમયથી ગટરોના ઊભરાતા દૂષિત પાણી સ્થાનિક રહિશો તથા દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ
ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.
દૂષિત
પાણી મંદિરના પગથીયા નજીક પહોંચી ગયા છે. આ ગંભીર સમસ્યા બાબતે સ્થાનિક રહીશોએ
પાલિકા તંત્રમાં વારંવાર રજૂઆતો કરી થાકી ચુક્યાં છે તેમ છતાં આજદીન સુધી પાલિકા
તંત્ર દ્વારા કોઇ ઘટતી કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ
પાલિકા તંત્રમાંથી ઊભાતી ગટરોની સમસ્યા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ
પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે.
માથુ
ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા આ ગટરોના પાણીથી સ્થાનિક વિસ્તારના લોકો ત્રાહિમામ
પોકારી ઉઠયાં છે. આ વિસ્તારમાં ભયંકર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાશે તેવી
દહેશત ઉભી થઇ ચુકી છે. જેથી પાલિકા તંત્ર પ્રજાલક્ષી અભિગમ અપનાવી શ્રી ટેકરીયા
હનુમાનજી મંદિર વિસ્તારના રિહશોને આ ઘર કરી ગયેલી ઉભરાતી ગટરોની સમસ્યામાંથી કાયમી
ધોરણે ઉગારે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.