– કરમસદને મનપામાં ભેળવ્યા બાદ સરદાર સાહેબનું અસ્તિત્વ ટકાવવા ગ્રામજનોએ આંદોલન છેડયું હતું
– મનપાની 50 સ્થાવર મિલકતો અને 150 થી વધુ વાહનો ઉપર જૂના બેનરો હટાવી નવા લગાવવાના શરૂ કરાયા : લૉગોમાં કરમસદ નામ ઉમેરવા સિવાય કોઈ ફેરફાર નહીં, સરદાર સાહબની છબીવાળી ડિઝાઈન યથાવત્
આણંદ : આણંદ મહાનગરપાલિકાના બદલે કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ માટે આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે મનપાની ૫૦થી વધુ સ્થાવર મિલકતો અને ૧૫૦થી વધુ વાહનો ઉપર આણંદ મહાનગરપાલિકાના બેનરો બદલીને નવા કરમસદ આણંદ મહાનગરપાલિકાના બેનરો લગાવવાનું શરૂ કરી દેવાયું છે. મનપાના લૉગોમાં કરમસદ નામ ઉમેરવા સિવાય કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. સરદાર સાહેબ સહિતા ચિત્રની ડિઝાઈન યથાવત્ રખાશે.
આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ભેળવી દેવાતા સરદાર વલ્લભભાઈ પટેલનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના ભયથી કરમસદના ગ્રામજનોએ કમરસદને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે આંદોલન શરૂ કર્યું હતું.
ત્યારે ભાજપના નેતાઓ દૂર રહી તમાશો નિહાળ્યો હતો. તાજેરતમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની આણંદની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ત્રિભોવનદાસ પટેલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા બાદ અચાનક આણંદના ભાજપી ધારાસભ્યો સહિતના નેતાઓને સરદાર સાહેબ યાદ આવ્યા હતા અને આણંદ મનપાનું નામમાં કરમસદનો સમાવેશ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
ત્યારે આજે ગુજરાત રાજ્યના કેબિનેટની બેઠકમાં
આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને ‘કરમસદ આણંદ મહાનગરપાલિકા’ રાખવાની કેબિનેટે મંજૂરી આપી હતી. હવે આજથી આણંદ મનપાના બેનરો દૂર કરવામાં આવશે.
તમામ સરકારી મિલકત ઉપર કરમસદ આણંદ મહાનગરપાલિકાના નવા બેનરો લગાવવામાં આવશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, સરકાર તરફથી નામ બદલવાનું નોટિફિકેશન મળી ગયું છે.
જેથી હવે મનપાની ૫૦થી વધુ સ્થાવર મિલકતો તેમજ ૧૫૦થી વધુ વાહનો ઉપર આણંદ મહાનગરપાલિકાના બેનરો બદલીને કરમસદ આણંદ મહાનગરપાલિકાના બેનરો મૂકવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ત્યારે હાલ સ્થાપિત કરાયેલા લોગોમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ, આણંદની આગળ કરમસદ લખીને માત્ર સુધારો કરવામાં આવશે.
લોગોમાં અંદર કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવનાર નથી. લોગોમાં સરદાર પટેલના ચિત્ર સહિત તમામ ચિત્ર યથાવત રાખવામાં આવશે.