કોલકતા : એક તરફ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કેસીનો-જુગારની લત્તે લાગીને દેશની યુવા પેઢી જંગી નુકશાની કરીને બરબાદ થઈ રહી છે, ત્યારે ભારતીય શેર બજારોમાં ટૂંકાગાળાના એટલે કે ટૂંકી મુદ્દતના ફયુચર્સ એન્ડ ઓપ્શન (એફ એન્ડ ઓ) કોન્ટ્રાક્ટસમાં જંગી વોલ્યુમ મામલે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના પૂર્ણકાલીન સભ્ય અનંત નારાયણે ચિંતા વ્યક્ત કરી છે.
સેબી મેમ્બરે આ ચિંતાને લઈ એફ એન્ડ ઓમાં પ્રોડક્ટસ અને સોલ્યુશન્સની મુદ્દત અને પાકતી તારીખ લંબાવવાનું અને એના થકી એફ એન્ડ ઓ માર્કેટની ગુણવતા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ એવું સૂચવ્યું છે.
કોલકાતા ખાતે સીઆઈઆઈના ૧૧માં કેપિટલ માર્કેટસ કોન્કલેવમાં નારાયણે જણાવ્યું હતું કે, ”ઘણા નિષ્ણાતોએ નિર્દેશ કર્યો છે, તેમ આપણું ભારતીય ડેરિવેટીવ માર્કેટ ઈકોસિસ્ટમ એકદમ અનોખું છે, જેમાં એક્સપાયરી દિવસોમાં, ઈન્ડેક્સ ઓપ્શન્સમાં તુલનાત્મક ટર્નઓવર ઘણીવાર કેશ માર્કેટના ટર્નઓવર કરતાં ૩૫૦ ગણું કે તેથી વધુ હોય છે. આ અસંતુલન સ્પષ્ટપણે બિનઆરોગ્યપ્રદ છે, જેના ઘણા સંભવિત પ્રતિકૂળ પરિણામો આવી શકે છે.