તસવીર : ENVATO
Dharmasthala Mass Burial Case: કર્ણાટકના ‘ધર્મસ્થલ’ નામના જાણીતા યાત્રાધામમાં સત્તર વર્ષોથી મહિલાઓ પર બળાત્કાર અને હત્યાના સિલસિલાબંધ ગુના આચરાયાના આરોપ લગાવાયા છે. વર્ષ 1998થી 2014 વચ્ચે સેંકડો મહિલાઓના મૃતદેહ દફનાવનારા સફાઈ કર્મચારીએ પોલીસ સામે હાજર થઈને આ ગુનો કબૂલી લીધો છે અને હત્યારાઓના નામ પણ કોર્ટને સોંપ્યા છે.
કોણે, શું દાવો કર્યો?
11 જુલાઈ, શુક્રવારના રોજ દક્ષિણ કન્નડ જિલ્લાની બેલ્થાંગડી કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક માણસને હાજર કરાયો હતો. ઓળખ ગુપ્ત રાખવા માટે એ માણસે પગથી માથા સુધી કાળાં કપડાં પહેર્યાં હતાં. કાળી બુકાનીમાં ફક્ત બે કાણા હતા, જેમાંથી તે જોઈ શકતો હતો. તેનું નામ હજુ પણ જાહેર નથી કરાયું. એટલું જ જાણવા મળ્યું છે કે એ આ માણસ કર્ણાટકના ‘ધર્મસ્થલ’ નામના જાણીતા યાત્રાધામનો પૂર્વ સફાઈ કર્મચારી છે. તેણે દાવો કર્યો છે કે, હું અહીંના મંદિરમાં નોકરી કરતો હતો, ત્યારે મેં પ્રભાવશાળી તત્ત્વો અને તત્કાલીન વહીવટીદારોના દબાણ હેઠળ બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી સેંકડો મહિલાઓના મૃતદેહ દફનાવ્યા હતા.
નરાધમોએ કિશોરીઓને પણ નહોતી છોડી
સફાઈ કર્મચારીનું કહેવું છે કે, આ લોકોની વાસનાનો ભોગ બનેલી મહિલાઓના શરીર પર કપડાં પણ નહોતા રહેતા. તેમના શરીર પર જાતીય હુમલાના સ્પષ્ટ નિશાન જોવા મળતા. મોટા ભાગની મહિલાઓની હત્યા ગળું દબાવીને કરાઈ હતી. કેટલાક મૃતદેહો પેટ્રોલ અને ડીઝલથી બાળી નંખાતા હતા, જેથી પુરાવા જ ન રહે. 17 વર્ષના સમયગાળામાં તેણે 100થી વધુ મૃતદેહો દફનાવ્યા હતા. એક વાર તો તેણે ફક્ત 12થી 15 વર્ષની સ્કૂલ ગર્લને તેના યુનિફોર્મમાં જ દફનાવી હતી. તેને નદી કિનારાની નરમ જમીનમાં લાશો દફનાવવાની સૂચના અપાતી કારણ કે, નરમ માટીમાં મૃતદેહો ઝડપથી સડી જાય છે. તેણે નેત્રાવતી નદીના કિનારાની નરમ જમીનમાં 100થી વધુ લાશ ઠેકાણે પાડી હતી.
છેવટે ખોપરી લઈને પોલીસ સમક્ષ હાજર થયો
આ સફાઈ કર્મચારીએ જણાવ્યું છે કે, વગદાર લોકોના હાથે મરેલી અગણિત છોકરીઓ અને મહિલાઓના મૃતદેહ મારે દફનાવવા પડ્યા હતા કેમ કે હું એ કામ કરવાનો ઈનકાર કરું તો તેઓ મને અને મારા પરિવારને મારી નાંખીને અમારા ટુકડા કરીને અમને દફનાવી દેવાની ધમકી આપતાં હતાં. એટલે મારે મજબૂરીમાં આ ગુનો કરવો પડ્યો હતો.
છેવટે 3 જુલાઈ, 2025ના રોજ આ સફાઈ કર્મચારી ધર્મસ્થલના પોલીસ સ્ટેશનમાં હાજર થયો ત્યારે તેની પાસે એક કોથળો હતો, જેમાં એક માનવ ખોપરી હતી. તેણે પોતે દફનાવેલી બે લાશો ખોદીને ફોટા પણ પાડી લીધા હતા. જેથી એ બધા પુરાવા જોઈને પોલીસ તેની વાત પર વિશ્વાસ કરે.
કોણ છે આ જઘન્ય ગુનાના આરોપી?
સફાઈ કર્મચારીનું કહેવું છે કે, આ પાપકર્મમાં મંદિરના વહીવટ સાથે સંકળાયેલા અને બહારના વગદાર લોકો પણ છે. તેમણે વગ વાપરીને અને સંબંધિત લોકોને ધાકધમકી આપીને બધું દબાવી રાખ્યું છે. સફાઈ કર્મચારી કે પોલીસે કોઈના નામ જાહેર નથી કર્યા, પરંતુ સફાઈ કર્મચારીએ એક સીલબંધ પત્ર આરોપીઓના નામે લખીને સુપ્રીમ કોર્ટના વકીલ કે.વી. ધનંજયને આપી દીધા છે, જેથી જો સફાઈ કર્મચારી પર હુમલો થાય અને તેનો જીવ જાય તો પણ ગુનેગારો સજામાંથી બચી ન શકે.
આરોપોમાં દમ છે કે પછી મંદિર વિરુદ્ધનું કાવતરું?
મંદિરના વહીવટદારો અને ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડેએ આ આરોપોને પાયાવિહોણા અને મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે, 17 વર્ષ સુધી એક જ સ્થળે આ પ્રકારના ગુના આચરવામાં આવે અને કોઈને ખબર પણ ન પડે, એ શક્ય જ નથી.
સફાઈ કર્મચારી આજ સુધી ક્યાં હતો?
ડિસેમ્બર, 2014 માં સફાઈ કર્મચારીના પરિવારની એક સગીરા પર મંદિર સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ દ્વારા જાતીય હુમલો કરાયો હતો. આ કારણસર ડરી ગયેલો સફાઈ કર્મચારી પરિવારને લઈને ધર્મસ્થલ છોડીને રાતોરાત ભાગી ગયો હતો. ત્યારથી તે પાડોશી રાજ્યોના શહેરોમાં વર્ષો સુધી છુપાઈને રહેતો હતો. આ દરમિયાન તેના મનમાં સતત ભય રહેતો કે, મંદિરના વહીવટદારો તેની હત્યા કરાવી દેશે. તેથી આટલા વર્ષો પછી તે જીવ જોખમમાં મૂકીને પાછો ફર્યો છે. તેના મનમાં પાપકર્મના ભાગીદાર બન્યાનો પસ્તાવો છે અને પીડિતોને ન્યાય મળશે તો એની અપરાધભાવના ઓછી થશે, એવું એનું માનવું છે.
ક્યાં આવ્યું છે ધર્મસ્થલ?
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં નેત્રાવતી નદીને કિનારે આવેલું ‘ધર્મસ્થલ’ એક લોકપ્રિય તીર્થસ્થાન છે. અનેક રાજકારણીઓ, ફિલ્મી હસ્તીઓ અને ક્રિકેટરો આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. કદાચ આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં ધાર્મિક વિધિ હિન્દુ પુજારીઓ કરે છે, અને મંદિરનો વહીવટ જૈન સમાજ દ્વારા કરાય છે. હાલ ધર્મસ્થલનું સંચાલન જૈન હેગડે પરિવાર પાસે છે. મેંગલુરુથી લગભગ 75 કિ.મી. દૂર આવેલું આ મંદિર નગર એક આધ્યાત્મિક કેન્દ્ર છે, જે દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે.
સ્થાનિકો અને પીડિતોના પરિવારોએ ન્યાયિક તપાસની માંગ
800 વર્ષ જૂના પ્રતિષ્ઠિત મંદિર સામે આવા ગંભીર આરોપ લાગતાં કર્ણાટક જ નહીં, આસપાસના રાજ્યોમાં પણ હાહાકાર મચી ગયો છે. સ્થાનિકો, પીડિતોના પરિજનો અને સામાજિક કાર્યકરો આ કેસની ન્યાયિક તપાસ માટે ‘સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ’ (SIT)ની માંગ કરી રહ્યા છે.
CBIના કર્મચારીની દીકરી પણ ભોગ બની
વર્ષ 2003માં ગુમ થયેલી અનન્યા ભટના પરિવારે તાજેતરમાં ફરીથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અનન્યા એમબીબીએસનો પહેલા વર્ષનો અભ્યાસ કરી રહી હતી, ત્યારે ધર્મસ્થળ મંદિરે દર્શન કરવા આવી હતી અને પછી ગુમ થઈ ગઈ હતી. અનન્યાના માતા સુજાતા CBIમાં સ્ટેનોગ્રાફર હતા. તેઓ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યાં છે. સુજાતાનું કહેવું છે કે, 2003માં પોલીસે શરૂઆતમાં તેમની દીકરીના ગુમ થવાની ફરિયાદ પણ નહોતી લીધી અને મંદિરના ટ્રસ્ટી દ્વારા તેમને અપમાનિત કરાયા હતા.
સૌજન્યા રેપ એન્ડ મર્ડર કેસ દેશભરમાં ચર્ચાયો હતો
વર્ષ 2012માં ધર્મસ્થળમાં સૌજન્યા નામની 17 વર્ષની વિદ્યાર્થિની પર થયેલા બળાત્કાર અને હત્યાના કેસે આખા દેશમાં રોષ ફેલાયો હતો. એ કેસની તપાસમાં પણ SIT નિષ્ફળ નીવડી હતી. એટલું જ નહીં, રાજકીય પ્રભાવ ધરાવતા તત્ત્વોને બચાવવા પુરાવાનો નાશ કરાયો હોવાના આક્ષેપ લાગ્યા હતા. આ કેસ આજેય વણઉકલ્યો છે.