Ahmedabad News : રાજ્યમાં મારામારી, હત્યા અને આપઘાત સહિતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત પહેલા યુવકે 50 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલમાં રહેતા મનીષ ગોરાડીયા નામના યુવકે ગત 15 જુલાઈના રોજ મણિનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા પહેલા મનીષે વીડિયો બનાવીને પત્ની સહિતના અન્ય પરિવારજોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. મનીષે વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર હુમલો, સ્થાનિક યુવકોએ કરી મારામારી
સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ આદરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મનીષ અને સોનલના લગ્ન જીવનના 14 વર્ષ થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. મનીષ તેની પત્નીના અન્ય કોઈ સાથે આડા સંબંધની શંકા રાખતો હોવાથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. જેમાં પત્ની પતિ વિરુદ્ધમાં અરજી પણ કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પત્ની સોનલ મનીષને ત્રાસ આપતી હોવાનું તેને વીડિયોમાં જણાવ્યું હતું. જોકે, મનીષના આપઘાત પાછળનું કારણ શું છે, તે જાણવાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.