મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી, વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના પરિણામોમાં પ્રારંભમાં મિશ્ર ચિત્ર અને ટેરિફ સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારોમાં રોકાણકારો અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસે ૮૨૦૦૦ની જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસે ૨૫૦૦૦ની સપાટી ગુમાવી હતી. સેન્સેકસ ૫૦૧ પોઈન્ટ ઘટી ૮૧૭૫૭ જ્યારે નિફટી ૧૪૩ પોઈન્ટ ઘટી ૨૪૯૬૮ બંધ રહ્યો હતો. સારા ચોમાસાને કારણ ગ્રામ્ય માગમાં વધારો થવાની અપેક્ષાએ સિમેન્ટ શેરો ઊંચકાયા હતા જ્યારે બેન્ક તથા કન્ઝયૂમર ડયૂરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મે તથા જૂનમાં ભારતીય બજારમાં મજબૂત ઈન્ફલોસ પૂરો પાડયા બાદ જુલાઈમાં વિદેશી રોકાણકારો અત્યારસુધી નેટ વેચવાલ જોવા મળી રહ્યા છે. ટેરિફને મુદ્દે અનિશ્ચિતતાને પગલે વિદેશી રોકાણકારો પણ સાવચેતી ધરાવી રહ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો પર ટેરિફનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ વિદેશી રોકાણકારો પોતાના ભંડોળ ફાળવણીના ગણિતો નવેસરથી તૈયાર કરશે એમ જાણકારો માની રહ્યા છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૬૨૨ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૨૪૪૦ના ભાવમાં ઘટાડો જોવાયો હતો. ૧૪૬ શેરના ભાવ બદલાયા વગર રહ્યા હતા.
પ્રથમ ક્વાર્ટરના પરિણામો નબળા રહેતા અને FIIની વેચવાલીથી ચિંતામાં વધારો થયો
પ્રથમ ત્રિમાસિક પરિણામોમાં શરૂઆતના વલણોએ આ ક્વાર્ટરમાં કમાણીમાં નોંધપાત્ર સુધારાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વિશ્લેષકો પ્રથમ ક્વાર્ટરમાં સારી કમાણી વૃદ્ધિ અને મેનેજમેન્ટ તરફથી પ્રોત્સાહક ટિપ્પણીઓની અપેક્ષા રાખતા હતા. જોકે, અત્યાર સુધી પ્રથમ ક્વાર્ટરના પરિણામો પ્રોત્સાહક રહ્યા નથી. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મેનેજમેન્ટ સાવધ રહ્યું છે. યુએસ અને ભારત વચ્ચેના વેપાર સોદા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. જોકે, અંતિમ કરારની રાહ જોવાય છે. અહેવાલ મુજબ, ભારત ઇન્ડોનેશિયા અને વિયેતનામ કરતાં વધુ અનુકૂળ ટેરિફ દરની માંગ કરી રહ્યું છે.
હાલના ઘટાડા પાછળ બજારનું વધેલું મૂલ્યાંકન બીજું એક મહત્વપૂર્ણ કારણ છે. નિફ્ટીનો વર્તમાન PE ૨૨.૬ છે. આ તેના બે વર્ષના સરેરાશ PE ૨૨.૩થી ઉપર છે. કમાણીની પુન:પ્રાપ્તિ હજુ દૂર હોવાથી, ઓછામાં ઓછા ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં, બજારનું વધેલું મૂલ્યાંકન બજારની ભાવના પર ભાર મૂકી રહ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ બજારના ઘટાડામાં મુખ્ય ફાળો આપનાર પરિબળ છે. જોકે સ્થાનિક રોકાણકારો બજારને ટેકો આપી રહ્યા છે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારે નફા બુકિંગ બજારોને તૂટક તૂટક લાભો ટકાવી રાખવાથી અટકાવી રહ્યું છે. જુલાઈમાં અત્યાર સુધીમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ કેશ સેગમેન્ટમાં રૂ.૧૭,૩૩૦ કરોડના ભારતીય શેર વેચ્યા છે.
સતત ત્રીજા સપ્તાહે બજાર ઘટયું : છેલ્લા ત્રણ અઠવાડિયામાં સેન્સેક્સ ૨૪૦૦ પોઈન્ટ તૂટયો
ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ૫૦, સતત ત્રીજા સપ્તાહે સાપ્તાહિક ધોરણે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી ૨૫,૦૦૦ના મુખ્ય સપોર્ટ સ્તરથી નીચે સરકી ગયો છે. આ સાથે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં સેન્સેક્સ ૨૪૦૦ પોઈન્ટથી વધુ અથવા લગભગ ૩ ટકા ઘટયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન નિફ્ટી ૫૦માં પણ લગભગ ૩ ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય અને IT કંપનીઓના નબળા પરિણામોએ આ સપ્તાહે બજારની ચાલ નબળી પાડી હતી, જ્યારે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા યથાવત રહી હતી. ખાનગી બેંકો સૌથી મોટા ક્ષેત્રીય નુકસાનમાં રહી હતી જેમાં સાપ્તાહિક લગભગ ૨ ટકાનો ઘટાડો થયો હતો, ત્યારબાદ મુખ્ય નાણાકીય અને માહિતી ટેકનોલોજી સૂચકાંકો અનુક્રમે ૧.૧% અને ૧.૫% ઘટયા હતા.
એકસિસ બેન્કના પરિણામ બાદ બેન્ક શેરોંમાં ધોવાણ: નિફટી બેન્ક ઈન્ડેકસ ૫૪૫ પોઈન્ટ તૂટયો
વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના પરિણામો પ્રતિકૂળ આવતા એકસિઝ બેન્કના શેરભાવમાં પાંચ ટકાથી વધુનું ધોવાણ થયું હતું. એકસિઝનો શેરભાવ રૂપિયા ૬૦.૫૦ ઘટી રૂપિયા ૧૦૯૯.૩૦ રહ્યો હતો. ૧૯ જુલાઈની બોર્ડ મીટિંગ પહેલા એચડીએફસી બેન્કનો ભાવ રૂપિયા ૨૯.૫૦ ઘટી રૂપિયા ૧૯૫૭.૪૦ રહ્યો હતો. બોર્ડ મીટિંગમાં બેન્ક વર્તમાન નાણાં વર્ષ માટે ખાસ વચગાળાનું ડિવિડન્ડ તથા બોનસ શેર જારી કરવાની દરખાસ્ત ધરાવે છે. કોટક મહિન્દ્રા બેન્ક રૂપિયા ૩૦.૩૦ ઘટી રૂપિયા ૨૧૪૦.૫૦ બંધ આવ્યો હતો. કોટક મહિન્દ્રા બેન્કની બોર્ડ મીટિંગ ૨૬ જુલાઈના મળી રહી છે. કેનેરા બેન્ક રૂપિયા ૧.૦૮ ઘટી રૂપિયા ૧૧૪.૪૫, એસબીઆઈ રૂપિયા ૫.૬૫ ઘટી રૂપિયા ૮૨૩.૩૫ બંધ રહ્યો હતો. ૧૯ જુલાઈની બોર્ડ મીટિંગ પૂર્વે આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૭.૧૦ વધી રૂપિયા ૧૪૨૫.૮૦ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક પણ રૂપિયા ૪.૯૫ વધી રૂપિયા ૮૭૦.૦૫ બંધ જોવા મળ્યો હતો.
દેશભરમાં ચોમાસાની સારી પ્રગતિને પગલે સિમેન્ટ શેરો ઊંચકાયા: જે. કે. સિમેન્ટ, અંબુજા, દાલમિયામાં આકર્ષણ
દેશમાં ચાલુ વર્ષે ચોમાસાની સારી પ્રગતિ થઈ છે. ચોમાસુ સારુ રહેતા ગ્રામ્ય અર્થતંત્ર માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે જે સિમેન્ટની માગ માટે પોઝિટિવ બની રહેશે તેવી ધારણાંએ પસંદગીના સિમેન્ટ શેરોમાં આકર્ષણ જોવા મળ્યું છે. અંબુજા સિમેન્ટ રૂપિયા ૨.૧૦ વધી રૂપિયા ૫૯૬.૭૦, જે. કે. સિમેન્ટ રૂપિયા ૬૭.૫૦ વધી રૂપિયા ૬૪૯૮ બંધ રહ્યો હતો. જૂન ત્રિમાસિકના પરિણામોની સમીક્ષા માટે જે. કે. સિમેન્ટની બોર્ડ મીટિંગ ૧૯ જુલાઈના શનિવારે મળી રહી છે. દાલમિયા ભારત રૂપિયા ૬૨ વધી રૂપિયા ૨૨૫૧ બંધ રહ્યો હતો.
અમેરિકા દ્વારા ટેરિફનું ચિત્ર સ્પષ્ટ ાૃથવા પહેલા કન્ઝયૂમર ડયૂરેબલ શેરોમાં સાવચેતીભર્યું વલણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના માલસામાન પર ટેરિફના મુદ્દે સસ્પેન્સ જાળવી રખાતા કન્ઝયૂમર ડયૂરેબલ શેરોમાં રોકાણકારોનું સાવચેતીભર્યુ વલણ જોવા મળી રહ્યું છે. પીજી ઈલેકટ્રોપ્લાસ્ટ રૂપિયા ૭.૨૦ ઘટી રૂપિયા ૭૨૦.૩૫, હેવલ્સ ઈન્ડિયા રૂપિયા ૧૪.૧૦ ઘટી રૂપિયા ૧૫૧૮.૫૦, ટીટાન રૂપિયા ૩૦.૪૦ ઘટી રૂપિયા ૩૪૦૨, કલ્યાણ જ્વેલર રૂપિયા ૧૦.૩૫ ઘટી રૂપિયા ૫૯૦.૧૫, સીજી કન્ઝયૂમર રૂપિયા ૫.૭૫ ઘટી રૂપિયા ૩૪૩.૮૫ બંધ રહ્યો હતો. વોલ્ટાસ પણ રૂપિયા ૧૩.૭૦ તૂટી રૂપિયા ૧૩૭૭ જોવા મળ્યો હતો. વ્હર્લપુલમાં રૂપિયા ૪૦નો સુધારો થઈ ભાવ રૂપિયા ૧૪૪૪.૭૦ રહ્યો હતો.
વિદેશી રોકાણકારો તથા ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ શુક્રવારે રૂપિયા ૧૫૪૩૦.૮૫ કરોડની ખરીદી કરી હતી અને રૂપિયા ૧૫૦૫૬.૧૧ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૩૭૪.૭૪ કરોડની ખરીદી કરી હતી. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૧૪૪૫૧.૧૮ કરોડની ખરીદી કરી હતી જ્યારે રૂપિયા ૧૨૩૪૭.૬૭ કરોડની વેચવાલી સાથે નેટ ખરીદી રૂપિયા ૨૧૦૩.૫૧ કરોડ રહી હતી.