Mosquito-Borne Diseases Increase in Monsoon: ચોમાસાની સાથે જ હવે મચ્છરજન્ય બીમારીના કેસમાં પણ વધારો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં મેલેરિયાના 18840, ડેન્ગ્યૂના 33104 અને ચિકનગુનિયાના 6369 કેસ નોંધાઈ ચૂક્યા છે.
મચ્છરજન્ય બીમારીએ 70થી વધુનો ભોગ લીધો
વર્ષ 2021થી મે 2025 સુધી ગુજરાતમાં ડેન્ગ્યુથી 34ના મૃત્યુ થયા છે. બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે વર્ષ 2023થી છેલ્લા 3 વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ 4.48 કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને 4.46 લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 8956 મેલેરિયાના કેસ, 15841 ડેન્ગ્યૂના કેસ અને 1345 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: 4 વર્ષ અગાઉ 225 કરોડના ખર્ચે બનેલા ડીસાના સૌથી મોટા એલિવેટેડ ઓવર બ્રિજમાં 10-12 ફૂટના ગાબડાં
વર્ષ 2025માં છેલ્લા 28 સપ્તાહમાં 92.86 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 860 કેસ મેલેરિયાના જોવા મળ્યા છે. જેને કારણે 40 નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યૂ તપાસ માટે 67 હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા જેમાંથી 728 કેસ ડેન્ગ્યુના તેમજ 130 કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે, ‘વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મેલેરિયા માટે સંવેદનશીલ 21 જિલ્લાના 196 ગામોની અંદાજે 2.04 લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. બીજા રાઉન્ડની કામગીરી પહેલી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની તુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા 2,460 વ્યક્તિઓ સાથેની કુલ 492 વેક્ટર કંટ્રોલ ટીમ મૂકવામાં આવી છે.