Banaskantha Rain Update: ગુજરાતના વિકાસની જેટલી પણ ડિંગો હાંકવામાં આવે છે, તે બધાની ચોમાસામાં પોલ ખૂલી ગઈ છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે રસ્તા અને લોકોના ઘરોમાં જ નહીં પરંતુ, સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. હોસ્પિટલ પરિસરની અંદર સુધી પાણી ઘૂસી જતા દાંતાના સમાજસેવી આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને લોકોની મદદ કરી હતી. નોંધનીય છે કે, ડૉક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડ સુધી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સરકારી હોસ્પિટલમાં ફરી વળ્યા પાણી
બનાસકાંઠામાં શુક્રવારે સવારે 6 થી 12ના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 6 કલાકની અંદર 4.17 ઈંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા આખી રાત લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો. એવામાં સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા સારવાર લેતા દર્દીઓથી લઈને પરિજનો અને હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીના વોર્ડ સુધી પાણી ભરી જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ
ગુજરાતમાં શુક્રવારે રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, યાત્રાધામ અંબાજી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતાં. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી શાળાએ જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બીજી બાજુ વરસાદના કારમે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.
સાબરકાંઠામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો વિજયનગર અને ગ્રામ્ય પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિજયનગર માં 5 કલાક માં 1.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભારે વરસાદથી ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પાકોને નુકશાનીની ભીતિ છે.
પાટણમાં ધીમી ધારે વરસાદ
પાટણમાં 72 ક્લાકના વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. સવારથી જ અહીં વરસાદી માહોવ જામ્યો છે. ત્યારે ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશહાલી ફેલાઈ છે. જો કે પાટણ શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. શહેરના પારેવા સર્કલથી ખારકશા પીર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને હાલાકી પડી રહી છે.
આ પણ વાંચોઃ ‘બેવડું વલણ નહીં ચલાવીએ..’, ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
મહેસાણામાં શું પરિસ્થિતિ?
મહેસાણાના ખેરાલુમાં રાત્રે 15 MM વરસાદ વરસ્યો હતો. ત્યાર પછી ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા. વરસાદથી દેસાઈ વાડા રોડ, ખોખરવાડા સંઘ, ખાડિયા વિસ્તારના રોડ પર પાણી વહેતા થયા હતા. ખેરાલુ તાલુકાના નાનીવાડા, મલેકપુર, ગઠામણ,થાગણા,ખેરપુરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જે બાદ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સાથે જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
મોરબીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી લોકોને ગરમીથી રાહત મળી છે. મોરબીના માળીયા અને હળવદમાં વરસાદી માહોલ જામ્યો છે. માળીયાના માણાબા, ખાખરેચી, અણિયાળી, જેતપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો હળવદના રણજીતગઢ,માનસર, ચંદ્રગઢ, મયુરનગર, ધનાળા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં આનંદની લાગણી છે. વરસાદને કારણે કપાસ, મગફળીના પાકને નવજીવન મળશે.