વડોદરાઃ વડોદરા જિલ્લાના ખેડૂતો માટે ખેતરોમાં ભરાઇ રહેલા પાણીને કારણે વાવેતરમાં મોટી અડચણ આવતાં ભારે વિલંબ થયો છે.હવે પાંચેક દિવસથી ઉઘાડ નીકળતાં વાવણી પૂરજોશમાં શરૃ થઇ છે.
વડોદરા જિલ્લામાં વરસાદનું આગમન સામાન્ય સીઝન કરતાં વહેલું થયું હતું અને ત્યારપછી પણ અનિયમિત વરસાદ રહ્યો હતો.આંકડા મુજબ ૪૦ ઇંચની જરૃરિયાતની જગ્યાએ માંડ ૧૫ ઇંચ એટલે કે ૩૭ ટકા જેટલો વરસાદ પડયો છે.જેને કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેતરોમાં પાણી અને કીચડ હોવાને કારણે વાવણીનું કામ જ શરૃ થઇ શકયું નથી.
જિલ્લા ખેતીવાડી વિભાગના ચાર દિવસ પહેલાંના આંકડા મુજબ ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર ૨.૩૯ લાખ હેક્ટરમાં થાય છે.પરંતુ આ સીઝનમાં અત્યાર સુધીમાં માત્ર ૩૧૦૬ હેક્ટરમાં એટલે કે માત્ર ૧.૩૦ ટકા જ વાવણી થઇ છે.
ચારેક દિવસથી ઉઘાડ નીકળતાં ઉંચાઇ વાળા ખેતરોમાં ટ્રેક્ટર જઇ શકે તેવી જમીન થઇ છે.પરંતુ નીચાણવાળા ખેતરોમાં હજી પણ બે-ત્રણ દિવસ ઉઘાડ રહે તો ટ્રેક્ટરો જઇ શકશે.કેટલાક સ્થળોએ ખેડૂતો અને ખેતમજૂરોએ પોતે ખેતરોમાં જઇ વાવણી શરૃ કરી દીધી છે.જેથી થોડા જ દિવસમાં વાવણીના આંકડા ઝડપથી વધી જશે.
વડોદરા જિલ્લામાં જુદાજુદા તાલુકા મુજબ થયેલા વાવેતરના આંકડા આ મુજબ છે.
તાલુકો જરૃરી વાવેતર (હેક્ટર) થયેલું વાવેતર(હેક્ટર)
ડભોઇ ૧૫૨૩૨ ૧૨૮૩
પાદરા ૩૭૦૦૨ ૧૦૮૮
કરજણ ૩૮૦૫૧ ૫૧૭
શિનોર ૧૮૭૦૫ ૧૮૭
ડેસર ૧૪૧૬૪ ૩૧
સાવલી,વાઘોડિયા અને વડોદરા તાલુકામાં વાવેતર થયું જ નથી
વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ વડોદરા જિલ્લાના કુલ આઠ તાલુકામાંથી ત્રણ તાલુકા સાવલી,વાઘોડિયા અને વડોદરા તાલુકામાં ચાર દિવસ પહેલાં વાવેતરના આંકડા શૂન્ય હતા.ત્રણેય તાલુકામાં હવે વાવેતર શરૃ થશે.