Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 21 જેટલા અતિથિગૃહ અને કોમ્યુનિટી હોલનું બુકિંગ રદ કરાવવાના નીતિ નિયમમાં સુધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરી છે. હાલ કોર્પોરેશનના તમામ અતિથિગૃહ અને કોમ્યુનિટી હોલ શહેરીજનોને તેઓના શુભ પ્રસંગ માટે ભાડે આપવામાં આવે છે. 120 દિવસ અગાઉ ઓનલાઈન સિસ્ટમમાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવે છે, અને જે તે દિવસે ઓટોમેટીક કોમ્પ્યુટરરાઈઝડ ડ્રો સિસ્ટમથી અરજદારને ફાળવણી કરવામાં આવે છે. હોલની ફાળવણી થવાની સાથે જ ભાડું ડિપોઝિટ અને 18% જીએસટી વસૂલ કરવામાં આવે છે. કોર્પોરેશનની રીક્રીએશન અને કલ્ચરલ સમિતિ દ્વારા બુકિંગ રદ કરવા નિયમમાં સુધારો કરવા કોર્પોરેશનમાં ભલામણ પત્ર લખ્યો હતો. જેના આધારે હવે જો અરજદાર દ્વારા લગ્ન પ્રસંગ માટે હોલ કે અતિથિગૃહનું બુકિંગ કરવામાં આવે અને તે દરમિયાન પ્રસંગ પહેલા અરજદારનું નિધન થાય અથવા તો તેના કુટુંબમાં આકસ્મિક મરણ થાય તો 18% જીએસટી રકમ સિવાય સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અત્યાર સુધી 70 ટકા રિફંડ આપવામાં આવતું હતુ. એ જ પ્રમાણે અરજદાર દ્વારા સીમંત પ્રસંગ માટે બુકિંગ કરાવવામાં આવે અને પ્રસંગ પહેલા ગર્ભમાં રહેલ બાળક કે તેની માતાનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં પણ જીએસટી સિવાય સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.