Maharashtra Politics: મુંબઈમાં મરાઠી ભાષાને લઇને રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર નિવનિર્માણ સેના( મનસે) કાર્યકરો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે કે, મુંબઈમાં રહેવુ હોય તો મરાઠી બોલવુ પડશે. હવે તો વાત આગળ વધી છે અને ઓફિસ, શો-રુમના બોર્ડ પણ મરાઠી ભાષામાં જ હોવા જોઇએ તેવો ખોટો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. કચ્છના રાપરના ધારાસભ્ય પણ મનસેની દાદાગીરીનો શિકાર બન્યાં છે. મનસેના કાર્યકરોની ધમકીને પગલે મુંબઈમાં ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસનું બોર્ડ ગુજરાતી ભૂંસીને મરાઠી ભાષામાં લખવું પડ્યું છે. સવાલ એ છે કે, ગુજરાતી ભાષાનો વિરોધ થઈ રહ્યો છે તેમ છતાંય સી. આર. પાટીલ સહિત ભાજપના બધાય નેતાઓના મો સિવાઈ ગયા છે.
24 કલાકમાં બદલાયું ઓફિસનું બોર્ડ
ઘણાં કચ્છી ગુજરાતીઓ વર્ષોથી મુંબઈમાં રહે છે. કચ્છીમાંડુઓને મદદ કરવા અને તેમનો સતત સંપર્ક જળવાઈ રહે તે હેતુસર રાપર(કચ્છ)ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ નવી મુંબઈમાં ઘણાં વખતથી ઓફિસ શરૂ કરી છે. એકાદ બે દિવસ પહેલાં જ મનસેના કાર્યકરો ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફિસે પહોંચ્યાં હતાં, જ્યાં ઓફિસ સંચાલન કરતાં ગુજરાતી યુવકને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું હતું કે, માત્ર 24 કલાકમાં ધારાસભ્યની ઓફિસનું બોર્ડ બદલી નાંખો, ગુજરાતી ભાષા નહીં, મરાઠી ભાષામાં બોર્ડ લખવું પડશે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના એર ક્વૉલિટી ઈન્ડેક્સમાં પાંચ મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે
ભાષા આવડતી જ હોય તો બોર્ડ વાંચશે કોણ?
મનસેના ભાષા વિવાદને લઇને ભાજપના ધારાસભ્યનું કહેવું હતું કે, માત્ર કચ્છીમાંડુઓ જ નહીં, ઘણાં ગુજરાતીઓ એવા છે જેમને મરાઠી ભાષા નથી આવડતી. હવે ઓફિસનું બોર્ડ મરાઠી ભાષામાં હોય તે કેટલાં અંશે યોગ્ય છે? ભાષા આવડતી જ હોય તો બોર્ડ વાંચશે કોણ? કોઇપણ રાજ્યમાં આવું ન હોઇ શકે. જોકે, મનસેની દાદાગીરીને પગલે ભાજપના કચ્છના ધારાસભ્યની ઓફિસનું બોર્ડ બદલી દેવાયુ છે. ગુજરાતી ભાષા ભૂંસીને મરાઠી ભાષામાં લખેલુ બોર્ડ લગાવવા ભાજપના ધારાસભ્ય મજબૂર બન્યાં છે. મનસે ધારાસભ્યએ ઓફિસનું મરાઠીમાં બોર્ડ લખવુ પડ્યુ છે તેનો વિડીયો પણ વાઈરલ કર્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર
સવાલ એ છે કે, જો ભાજપના ધારાસભ્યની આ દશા હોય તો ગુજરાતી વેપારીઓની શું હાલત હશે તેની કલ્પના કરવી રહી. આ ઉપરાંત ગુજરાતી ધારાસભ્ય મનસેની સરમુખ્યાતારશાહીનો ભોગ બન્યાં છે તેમ છતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અન્ય ભાજપના પ્રદેશ નેતા-ધારાસભ્યો એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. આમ, ગુજરાતના ભાજપના ધારાસભ્ય મનસે-રાજ ઠાકરેના નિશાના પર રહ્યાં હતાં.