Kanwar Yatra 2025: કાવડ યાત્રા દરમિયાન તાજેતરમાં જ DJ કોમ્પિટિશન દરમિયાન થયેલી મારપીટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ મોટું અને કડક પગલું ભર્યું છે. હવે વહીવટી તંત્રએ કાવડ યાત્રા દરમિયાન કાવડીઓના બેઝબોલ બેટ, હોકી સ્ટીક જેવી વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, યાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથ આજે મેરઠ અને મુઝફ્ફરનગરમાં કાવડીઓ પર પુષ્પવર્ષા કરશે.
ત્રિશૂળ જેવા ધાર્મિક પ્રતીકો લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી
વહીવટી તંત્રએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, કાવડ યાત્રી કોઈપણ પ્રકારની એવી વસ્તુઓ લઈ જઈ શકશે નહીં જે હિંસા કે વિવાદનું કારણ બની શકે. જોકે, ત્રિશૂળ જેવા ધાર્મિક પ્રતિકો લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી.
વહીવટી તંત્રએ કહ્યું કે, ધાર્મિક ભાવનાઓનું સન્માન કરતા માત્ર એવી જ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે.
કાવડીઓ પર પુષ્પવર્ષા કરશે CM યોગી
એક અધિકારીએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેરઠ અને મુઝફ્ફરનગરમાં હેલિકોપ્ટરથી કાવડીઓ પર પુષ્પવર્ષા કરશે.
બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં કાવડ યાત્રા દરમિયાન ડીજે સ્પર્ધાઓને કારણે ઘણી વખત તણાવ અને મારપીટની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓને રોકવા માટે વહીવટી તંત્રએ સામાન લઈ જવા પર તો પ્રતિબંધ લગાવ્યો જ છે, પરંતુ આ સાથે જ ડીજે અને અન્ય ઘોંઘાટ વાળી એક્ટિવિટીઓ પર પણ કડક નજર રાખવાનો નિર્ણય લીધો છે.
DJ લઈ જઈ રહેલા ઘણા વાહનોના નિયમોમાં ફેરફાર
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, કાવડ યાત્રા માટે ડીજે લઈ જઈ રહેલા ઘણા વાહનોને પોલીસે અટકાવ્યા હતા અને તેમને આગળ વધવા દેતા પહેલા તેમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા.
પોલીસે જિલ્લામાં કાવડ યાત્રા માટે ડીજે લઈ જઈ રહેલા વાહનોની દાદરી ટોલ કામચલાઉ પોસ્ટ અને શિવાય ટોલ પ્લાઝા પર સઘન તપાસ કરી હતી. આ દરમિયાન લગભગ 55 ડીજે સેટઅપ 12 થી 16 ફૂટ ઊંચા હોવાનું જણાયું હતું, જે ઈલેક્ટ્રિક વાયર, ટ્રાફિક પ્રવાહ અને જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો હતો.
પોલીસે આ વાહનોમાં તાત્કાલિક ફેરફારના નિર્દેશ આપ્યા. પોલીસના નિર્દેશોનું પાલન કરતા તમામ સંબંધિત સંચાલકોએ ઘટના સ્થળ પર જ પોતાના ડીજે સેટઅપમાં જરૂરી ફેરફાર કર્યા અને તેમને નિર્ધારિત ઊંચાઈના ધોરણો અનુસાર બનાવ્યા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ ફેરફારો પછી જ વાહનોને પોતાની યાત્રા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી.
આ પણ વાંચો: ‘ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં…’ દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાવડ યાત્રાએ નીકળી પત્ની
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને યાત્રાના માર્ગો પર કડક નજર રાખવા અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કાવડ યાત્રીઓને પણ શાંતિ અને ભક્તિ સાથે યાત્રા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી આ ધાર્મિક કાર્યક્રમ સરળતાથી પૂર્ણ થઈ શકે.