વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનની દર વર્ષે ૨૦૦૦૦ જેટલા મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે.જેમાંથી મોટાભાગના સ્કૂલોના બાળકો હોય છે.આ બાળકો પ્રકૃતિ વચ્ચે રહીને પ્રકૃતિના પાઠ ભણી શકે તે માટે બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલ બનાવવામાં આવ્યો છે.જેને ગુજરાતમાં બોટનીના ભીષ્મ પિતામહ ગણાતા જયક્રિષ્ણ ઈન્દ્રાજી ઠાકરનું નામ આપવામાં આવ્યું છે.
નેચર હોલનું ગુજરાત ફોરેસ્ટ વિભાગના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર ડો એ પી સિંહના હાથે લોકાર્પણ કરાયું છે. બોટની વિભાગના હેડ પ્રો.વિનય રાવલે તેમજ વરિષ્ઠ અધ્યાપક ડો.પી એસ નાગરનું કહેવું છે કે, આ નેચર હોલ યુનિવર્સિટીના તમામ વિભાગો માટે પણ ખુલ્લો છે.પ્રકૃતિને પસંદ કરનારા લોકો અહીંયા પોતાની નાની મોટી કોન્ફરન્સ કે મિટિંગ પણ કરી શકશે.સ્કૂલના બાળકોને બોટનિકલ ગાર્ડનનું અને આસપાસની પ્રકૃતિનું મહત્વ સમજાવવા માટે અત્યાર સુધી અમારી પાસે યોગ્ય વ્યવસ્થા નહોતી.આ હોલના કારણે બાળકોને અહીં બેસાડીને સમજ આપવી શક્ય બનશે.સાથે સાથે બોટનિકલ ગાર્ડનના સ્થાપક પ્રોફેસર શિવરામ શેવાડેને પણ લોકાર્પણ સમયે યાદ કરવામાં આવ્યા હતા.વડોદરામાં આજે જે હરિયાળી જોવા મળે છે તેમાં પ્રોફેસર શેવાડેનો મોટો ફાળો છે.૧૯૨૦માં તેમણે સ્થાપેલા બોટનિકલ ગાર્ડનમાં આજે વૃક્ષો અને છોડવાઓની ૧૦૦૦થી વધારે પ્રજાતિઓ છે.બોટનિકલ ગાર્ડનને પણ પ્રો.શેવાડેનું નામ અપાયું છે.