Airfare Rise Four times In Festive Season: આગામી મહિને ઑગસ્ટથી તહેવારોની વણઝાર શરુ થાય તે પહેલાં જ હવાઈ ભાડામાં તોતિંગ વધારો થયો છે. ઑગસ્ટમાં વિવિધ એરલાઇન કંપનીઓ દ્વારા હવાઈભાડામાં ચાર ગણા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ફરવાના શોખીનોને હવાઈ મુસાફરી કરવી મોંઘી પડી શકે છે.
ગોવાનું એરફેર ચાર ગણું વધ્યું
જન્માષ્ટમીની રજાઓમાં ગોવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં ચાર ગણું વધારે એરફેર ચૂકવવું પડશે. આ વખતે 15 ઑગસ્ટ-શુક્રવારે જન્માષ્ટમી, 16મીએ જન્માષ્ટમીની રજા હોવાથી ફરવાના સ્થળોએ મિની વેકેશનનો માહોલ જામશે. અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ જન્માષ્ટમીને પગલે વન-વે એરફેર વધીને રૂપિયા 21 હજારે પહોંચ્યું છે.
આ પણ વાંચોઃ મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણાં
હવાઈ ભાડામાં વધુ વધારો થવાની શક્યતા
જન્માષ્ટમીના તહેવાર શરુ થવાના હોય તેના ત્રણેક દિવસ અગાઉ ગુજરાતમાંથી જુગાર રમવાના શોખીનો ગોવામાં ધામા નાખી દેતા હોય છે. રજાઓમાં બે-ત્રણ દિવસ માત્ર જુગાર રમવાના ટાર્ગેટ સાથે પહોંચનારા આવા જુગારના રસિયાઓમાં માત્ર યુવાનો જ નહીં કપલ્સ પણ સામેલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ નજીક આવશે તેમ એરફેર રૂપિયા 30 હજાર સુધી પહોંચી જાય તેવી સંભાવના છે.
સ્થાનિક કરતાં આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડું સસ્તું
તહેવારોની સીઝનમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં હવાઈ ભાડું અનેક ગણું વધી જાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટની એર ટિકિટ ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરફેર કરતાં મોંઘી બને છે. ગોવાના એરફેરની તુલનાએ દુબઈનું હવાઈ ભાડું 19000-23000 રૂપિયા આસપાસ છે. જ્યારે ગોવાનું એરફેર 21 હજારે પહોંચ્યું છે અને વધીને આગામી દિવસોમાં રૂ. 30,000 થવાની શક્યતા છે.