Metro Train Income: અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ખાસ પ્રતિસાદ મળે નહીં તેવી માન્યતા મેટ્રો રેલ ખોટી પાડી રહ્યું છે. અમદાવાદમાં વર્ષ 2023થી જૂન 2025 એમ અઢી વર્ષમાં જ મેટ્રોની કુલ આવક રૂ. 102 કરોડને પાર થઈ છે, જ્યારે મુસાફરોનો આંક 8.47 કરોડ છે. હવે મેટ્રોને કોટેશ્વરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક્સ-2036ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઍરપોર્ટથી કોટેશ્વર વચ્ચે મેટ્રોનો રૂટ શરુ કરવા વિચારણા થઈ રહી છે.
મેટ્રોની આવકમાં દર વર્ષે 30 ટકા વૃદ્ધિ
મેટ્રોની આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં મેટ્રોની વાર્ષિક આવક રૂપિયા 32.12 કરોડ હતી અને તે વર્ષ 2024માં વધીને 43.62 કરોડ થઈ હતી. બીજી તરફ આ વર્ષે પ્રથમ 6 મહિનામાં મેટ્રોને રૂ. 27.13 કરોડની આવક થઈ હતી. આમ, મેટ્રોએ આ વર્ષે દરરોજની સરેરાશ રૂ. 15.07 લાખની આવક કરી છે. આ પ્રમાણ યથાવત્ રહ્યું તો વર્ષ 2025માં મેટ્રોની કુલ આવક 55 કરોડથી વધી શકે છે.
ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડાવવાનો ફાયદો
ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડાવવાને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. જાન્યુઆરીથી માર્ચ સુધી ગાંધીનગર રૂટથી મેટ્રોને રૂ. 12થી 14 લાખની આવક થતી હતી. હવે મે મહિનામાં તે વધીને રૂપિયા 26.83 લાખ અને જૂનમાં રૂપિયા 30 લાખ સુધી થઈ છે. જૂન મહિનામાં અમદાવાદ રૂટથી મેટ્રોને દરરોજની સરેરાશ રૂપિયા 14 લાખ અને ગાંધીનગર રૂટથી રૂપિયા 1 લાખ જેટલી આવક થઈ હતી.
આ પણ વાંચોઃ સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ : દસ્તાવેજમાં બાંધકામની મિલકતને ઓપન પ્લોટ તરીકે બતાવી
આ વર્ષે મેટ્રોને આઇપીએલની મેચ, કોલ્ડપ્લે કોન્સર્ટ ખૂબ જ ફળી છે અને તેના કારણે પણ આવકમાં વધારો થયો છે. 25 જાન્યુઆરીના કોલ્ડપ્લે વખતે 2.16 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મુસાફરો છે. આ પછી આઇપીએલ ફાઇનલમાં 2.11 લાખ જેટલા મુસાફરો નોંધાયા હતા.
મેટ્રો હજુ કેટલીક ખામીઓ સુધારે તો મુસાફરો વધી શકે…
- વસ્ત્રાલ ગામથી થલતેજ, એપીએમસીથી થલતેજની છેલ્લી ટ્રેન રાત્રે 10ના ઉપડે છે. છેલ્લી ટ્રેન ઉપાડવાનો સમય વધારીને રાત્રે 12 કરવાની મુસાફરોની માગણી.
- ગિફ્ટ સિટીથી છેલ્લી ટ્રેન સાંજે 6.25ના છે. આ સમય રાત્રે 10 સુધી લંબાવી શકાય તેમ છે.
- અનેક મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા નથી.
- મેટ્રો સ્ટેશનમાં ફૂડ કોર્ટ જેવી સુવિધા ઉમેરવા માટે વિચારણા ઘણા સમયથી છે પણ તેનો અમલ થયો નથી
મેટ્રો રેલને છેલ્લા 6 મહિનામાં આવક
મેટ્રોમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મુસાફરો