ITR Filling: આવકવેરા વિભાગે ITR-2 રિટર્ન ઓનલાઇન ફાઇલ કરવા માટે નવી સગવડ આપીને મોટો ફેરફાર કર્યો છે. હવે આ ફોર્મ પહેલાંથી ભરેલા ડેટા સાથે સીધું જ પોર્ટલ પર ભરાઈ શકે છે. અગાઉ, આ ફોર્મ ફક્ત એક્સેલ યુટિલિટી દ્વારા જ ભરવું પડતું અને એ પ્રક્રિયા ખૂબ ધીમી હતી. હવે એવું જરૂરી નથી કે પહેલા એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરો અને પછી JSON ફાઈલ બનાવીને અપલોડ કરો.
સોશિયલ મીડિયા પર જાહેરાત કરાઈ
આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ITR-2 હવે પહેલાથી ભરેલા ડેટા સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે.’
કડાકૂટ ઓછી થઈ
અત્યાર સુધી ફક્ત ITR-1 અને ITR-4 ફોર્મ્સ માટે જ સીધી ઓનલાઈન ફાઈલિંગની વ્યવસ્થા હતી. ITR-2 માટે દરેક વખતે એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરીને માહિતી ભરવી પડતી અને પછી અપલોડ કરવાની પ્રક્રિયા કરવી પડતી હતી. હવે ITR-2 માટે પણ એક્સેલમાં વારંવાર માહિતી ભરવાની કડાકૂટ નહીં રહે, જેને લીધે પૈસા અને સમય બંને બચશે.
- ફોર્મ 26AS, AIS, PAN અને TISમાંથી આવતી માહિતી પોર્ટલ આપમેળે ભરશે.
- સીધું પોર્ટલ પર જ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા મળશે.
- JSON (JavaScript Object Notation) ફાઇલ બનાવવા-અપલોડ કરવાની જરૂર નથી.
કોને ફાયદો થશે?
આ પરિવર્તન ખાસ કરીને એવા કરદાતાઓ માટે રાહતદાયક છે જેમની આવકની વિગતો થોડી જટિલ હોય. આ નવી સગવડ પગારદાર કર્મચારીઓ, એકથી વધુ સ્થાયી મિલકત ધરાવતા લોકો, વિદેશી આવક ધરાવતા લોકો માટે ખાસ ફાયદાકારક બની રહેશે. હવે તેઓ સીધા પોર્ટલ પર જ તેમની વિગતો ચેક કરીને ઝડપથી રિટર્ન ફાઈલ કરી શકશે.
આ પણ વાંચોઃ CoinDCX પર થયો સાઇબર અટેક: 378 કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની જવાબદારી લીધી કંપનીએ
અપડેટ મોડી આવી એ પાછળ શું કારણ હતું?
દર વર્ષે આવકવેરા વિભાગ એપ્રિલ-મે સુધીમાં આવકવેરા ફાઈલિંગની તમામ સુવિધા શરૂ કરી દે છે. પરંતુ આ વર્ષે ITR-2 અને ITR-3 ફોર્મ્સ માટે ઓનલાઈન ફાઈલિંગ શરૂ થવામાં લગભગ 100 દિવસ જેટલો વિલંબ થયો હતો. એટલે ઘણા લોકોને રાહ જોવી પડી હતી. વિલંબને ધ્યાનમાં લઈ સરકારે આ વર્ષે ITR ફાઈલ કરવાની સમયમર્યાદા 31 જુલાઈથી લંબાવીને 15 સપ્ટેમ્બર 2025 કરી છે. અત્યાર સુધીમાં 1.41 કરોડથી વધુ લોકો પોતાનું રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે જેમાંથી 1.12 કરોડ રિટર્નની પ્રક્રિયા થઈ ગઈ છે.
કોણે કયું ITR ફોર્મ પસંદ કરવું?
ITR-2
આ ફોર્મ વ્યક્તિગત કરદાતા અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે છે જેમની આવક નીચે મુજબ હોય.
- પગાર અથવા પેન્શન
- એકથી વધુ મકાન
- મૂડી નફો (શેર, મ્યુચ્યુઅલ ફંડ કે મિલકત વેચાણ)
- વિદેશી સંપત્તિ અથવા વિદેશથી આવક
ITR-1
આ ફોર્મ 50 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે છે. લિસ્ટેડ શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી મળેલો લાંબા ગાળાનો મૂડીલાભ માત્ર 1.25 લાખ સુધી હશે તેઓ પણ ITR-1 ફાઈલ કરી શકશે.
ITR-3
ફ્રીલાન્સર, કન્સલ્ટન્ટ, વેપારીઓ વગેરે ITR-3 ફોર્મ ભરી શકશે. આ ફોર્મ માટે હાલ પણ એક્સેલ યુટિલિટી જ છે; ઓનલાઇન ભરવા માટે પહેલાથી ભરેલા ડેટાની સુવિધા હજુ ઉપલબ્ધ નથી.
ITR-4
આ ફોર્મ હિન્દુ અવિભાજિત કુટુંબ અને નાના બિઝનેસ ધરાવતા એવા લોકો માટે છે, જેમની આવક 50 લાખ સુધીની છે, અને જેમણે અનુમાનિત કરવેરા યોજના (44AD, 44ADA, 44AE) હેઠળ આવક જાહેર કરવી છે.
ITR-5
આ ફોર્મ કંપનીઓ, LLPs (Limited Liability Partnerships), AOPs (Associations of Persons), BOIs (Bodies of Individuals) અને AJPs (Artificial Juridical Persons) માટે છે.