How Google Pay And PhonePe Works: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરવો એકદમ સરળ અને મફતમાં કરી શકાય છે. UPI આવતાંની સાથે જ મોટાભાગની વ્યક્તિ આજે ખિસ્સામાં પૈસા નથી રાખતો અને તરત જ સ્કેન કરીને ખરીદી કે વેચાણ કરી શકે છે. આ માટે કોઈ રકમ પણ ચૂકવવી નથી પડતી. આમ છતાં ગૂગલ પે અને ફોનપે બન્નેએ મળીને ગયા વર્ષે ₹5065 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ કર્યા વગર આટલી મોટી રકમની કમાણી કરવી કેવી રીતે શક્ય છે? જોકે આ પાછળ તેમનું અનોખું બિઝનેસ મોડલ જવાબદાર છે. આ બિઝનેસ મોડલના પાયા વિશ્વાસ, ખૂબ જ મોટો બિઝનેસ અને ઇનોવેશન છે.
કિરાણા સ્ટોર્સમાં જોવા મળતાં અવાજ ધરાવતા સ્પીકર્સ
આઇસ વીસીના ફાઉન્ડિંગ પાર્ટનર મૃનાલ ઝવેરીએ લિંકડઇન પર એક પોસ્ટ કરીને આ કંપનીઓ કેવી રીતે રેવેન્યુ જનરેટ કરે છે એ વિશે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર ગૂગલ પે અને ફોનપે કંપનીઓનું મોટાભાગનું રેવેન્યુ આપણી આસપાસની નાની-નાની દુકાનો જેવી કે કિરાણા સ્ટોર્સમાંથી આવે છે. ફોનપે જેવી કંપનીઓ તેમના અવાજ ધરાવતા સ્પીકર્સની સર્વિસ દ્વારા નફો મેળવે છે. કોઈ પણ યુઝર દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ત્યારે આ સ્પીકર્સમાંથી અવાજ આવે છે કે આટલા રૂપિયા ફોનપે દ્વારા મળ્યા. આ દરેક સ્પીકર્સ માટે મહિનાનું ₹100 ભાડું છે. 30 લાખથી વધુ દુકાનમાં આ સ્પીકર્સનો ઉપયોગ થાય છે જેમાં સ્કેનર્સ હોય છે. આ માટે ફોનપે એક મહિનાના ₹30 કરોડની કમાણી કરે છે અને વર્ષે એ કિંમત ₹360 કરોડ છે. આની મદદથી તેઓ ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકે છે. તેમ જ દુકાનદાર પણ તેમના ટ્રાન્ઝેક્શનની વિગત ચોક્કસ સાંભળી અને ચકાસી શકે છે.
સ્ક્રેચ કાર્ડ: જે ખરેખર એડ્સ માટેનું ટૂલ
આ કંપનીઓ સ્ક્રેચ કાર્ડમાંથી પણ ખૂબ જ મોટી રેવેન્યુ જનરેટ કરે છે. યુઝર્સ માટે આ સ્ક્રેચ કાર્ડ પૈસા કમાવવા માટેની એક તક હોય છે. તેમાં ₹1થી લઈને ₹1000 સુધીના ઇનામ પણ લાગી શકે છે. આ સાથે ઘણી કંપનીઓની ડિસ્કાઉન્ટ કૂપન પણ હોય છે. ખરેખર આ કૂપન ગ્રાહક માટે નથી હોતી. આ એડ્સનો એક નવો પ્રકાર છે. આ માટે ગૂગલ અને ફોનપે યુઝર્સને ₹1 અથવા ₹3 સ્ક્રેચ કાર્ડ દ્વારા આપે છે, જયારે બીજા સ્ક્રેચ કાર્ડ માટે તેઓ જે-તે કંપની પાસેથી ખૂબ જ મોટી રકમ વસુલ કરે છે.
બ્રેન્ડ્સ આ માટે ગૂગલ પે અને ફોનપેને ખૂબ મોટી રકમ ચૂકવે છે અને કંપનીઓ એનાથી કમાણી કરે છે. સ્ક્રેચ કાર્ડમાં જે-તે બ્રેન્ડનું નામ આવતાં લાખો યુઝર્સના મોઢા પર એના નામ ચઢે છે. તેમ જ ઓફરને જોઈને ઘણી વાર યુઝર્સ ખરીદી પણ કરે છે. ઉદાહરણ તરીકે, ગૂગલ પે દ્વારા મોટાભાગે ડોમિનોઝનો લાર્જ પિત્ઝા ₹500માં હોય છે. આ ઓફર ફક્ત નવા યુઝર્સ માટે હોય છે. આથી ગૂગલને એડ્સ માટે પૈસા મળે છે અને ડોમિનોઝને નવા યુઝર્સ, બન્ને પક્ષને ફાયદો થાય છે.
સોફ્ટવેર અને લેન્ડિંગ સર્વિસ
આ કંપનીઓ UPIની સર્વિસની સાથે Software-as-a-Service લેયર પણ આપે છે. આ એક ટૂલ છે જેમાં નાના દુકાનદારને GST માટે મદદ મળે છે. તેમ જ ઇનવોઇસ જનરેટ કરી શકે છે અને નાની લોન પણ આપવામાં આવે છે. UPI એ એક ગેટવે સિસ્ટમ છે, પરંતુ ખરો બિઝનેસ સોફ્ટવેર અને ફાઇનાન્શિયલ સર્વિસમાં છુપાયેલો છે. આ મોડલનું સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે આ માટે ગ્રાહકને એક પણ રૂપિયા ચાર્જ કરવામાં નથી આવતો.