– મુંબઈમાં રન-વે પર વરસાદના કારણે વિમાન લપસ્યું
– રનવે પર 155 કિ.મી.ની ઝડપે દોડતું વિમાન પાયલટે અચાનક બ્રેક મારીને રોકતાં મુસાફરોના શ્વાસ અદ્ધર
નવી દિલ્હી : એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી ફ્લાઈટ ટેક-ઓફની થોડી સેકન્ડ પહેલાં રદ્ કરવી પડી હતી. પાયલટને વિમાનમાં કંઈક ટેકનિકલ ગરબડ જણાતાં ઈમર્જન્સી એક્શનની જરૂરિયાત ઉભી થઈ હતી.
દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ એરર એ સમયે સર્જાઈ હતી કે જ્યારે વિમાન રન-વે પર ૧૫૫ કિલોમીટરની ઝડપે દોડી રહ્યું હતું. ટેક-ઓફની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે પાયલટને વિમાનમાં ટેકનિકલ ગરબડ જણાઈ હતી. પાયલટે તુરંત એક્શન લઈને બ્રેક મારી દીધી હતી. ૧૫૫ કિલોમીટરની સ્પીડે દોડી રહેલું વિમાન એકાએક સ્થિર થઈ જતાં વિમાનમાં સવાર મુસાફરો ઉછળી પડયા હતા. મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ વિમાન ટેકનિકલ ખામીના કારણે રદ્ કરી દેવાયું હતું. પરંતુ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
બીજી એક ઘટના પણ એર ઈન્ડિયાના વિમાનની જ છે. કોચ્ચીથી મુંબઈ આવેલું એર ઈન્ડિયાનું વિમાન ભારે વરસાદના કારણે રન-વે પરથી લપસી ગયું હતું. નિર્ધારિત રન-વેને બદલે ૧૬-૧૭ મીટર સુધી બહાર નીકળી ગયું હતું અને અનપેવ્ડ વિસ્તારમાં પહોંચી ગયું હતું. જોકે, પાયલટે સુઝબૂઝ વાપરીને વિમાનને સુરક્ષિત પાછું લાવ્યું હતું.