અમદાવાદ : સરકારે ૨૦૨૩-૨૪માં ક્રિપ્ટોકરન્સી અર્થાત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સથી થતા નફા પર આવકવેરાના રૂપમાં રૂ. ૪૩૭.૪૩ કરોડ વસૂલ્યા છે. મુંહ મેં રામ બગલ મેં છુરીની કેન્દ્ર સરકારની ક્રિપ્ટો કરન્સીની પોલિસીમાં વર્ચ્યુઅલ કરન્સીના રોકાણ પરના નફામાં ઈન્કમ ટેક્સ પેટે આવક એક જ વર્ષમાં ૬૩ ટકા વધી છે તેમ નાણા મંત્રાલયે એક રિપોર્ટમાં જણાવ્યું છે.
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે ૨૦૨૨-૨૩માં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સથી ઈન્કમ ટેક્સ પેટે થતી આવક પર વસૂલવામાં આવતો ટેક્સ રૂ. ૨૬૯.૦૯ કરોડ હતો. ૨૦૨૩-૨૪માં આ વસૂલાત વધીને ૪૩૭.૪૩ કરોડ થયો છે. ચૌધરીએ જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ માટેનો ડેટા હજુ ઉપલબ્ધ નથી કારણ કે આ વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ હજી દૂર છે.
ભારતમાં હાલમાં ક્રિપ્ટોનું નિયમન કરતો કોઈ કાયદો નથી, પરંતુ સરકારે એપ્રિલ ૨૦૨૨થી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના વેચાણ દ્વારા થતા નફા પર ફ્લેટ ૩૦ ટકા ટેક્સ વસૂલાતની જાહેરાત કરી છે. જોકે આ એસેટના વેચાણ પર થયેલા નુકસાનને અન્ય કોઈપણ આવક સામે સેટ-ઓફ કરવાની અથવા આગળ વધારવાની પરવાનગી નથી. પાછળથી જુલાઈ, ૨૦૨૨થી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝકશનો પર ૧ ટકા ટીડીએસ વસૂલાત પણ શરૂ થઈ હતી.
સરકાર ક્રિપ્ટો કરન્સી સંબંધિત ટ્રાન્ઝેકશનોમાં કરચોરી શોધવા અને તપાસ માટે ડેટા એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. વિશ્લેષણમાં નોન-ફાઇલર મોનિટરિંગ સિસ્ટમ, પ્રોજેક્ટ ઇનસાઇટ અને આવકવેરા વિભાગના આંતરિક ડેટાબેઝનો ઉપયોગ સામેલ છે, જેથી ક્રિપ્ટો વ્યવહારો પર ઉપલબ્ધ માહિતીને કરદાતા દ્વારા આવકના રિટર્નમાં જાહેર કરાયેલા વ્યવહારો સાથે સાંકળવામાં આવે તેમ ચૌધરીએ ઉમેર્યું હતુ.
એક ટેક પોલિસી થિંક-ટેન્કના ડિસેમ્બર ૨૦૨૪ના એક પેપર મુજબ ડિસેમ્બર ૨૦૨૩થી ઓક્ટોબર ૨૦૨૪ સુધીના સંબંધિત ટ્રાન્ઝેક્શન ડેટાના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતીયોએ ઓફશોર ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ પર રૂ. ૨.૬૩ લાખ કરોડથી વધુનો વેપાર કર્યો છે, જે ઓફશોર પ્લેટફોર્મ્સ દ્વારા ચૂકવવામાં આવતા રૂ. ૨૬૩૪ કરોડથી વધુ ટીડીએસને અનુરૂપ છે.
તેમનો અંદાજ છે કે આગામી પાંચ વર્ષોમાં ઓફશોર પ્લેટફોર્મ્સ પર ભારતીયો દ્વારા કુલ ક્રિપ્ટો ટ્રેડિંગના બિન-એકત્રિત ટીડીએસની રકમ રૂ. ૧૭,૦૦૦ કરોડથી વધુ થઈ શકે છે.