– 3 વર્ષથી રક્ષાબંધને રાખડી, કાર્ડ મોકલે છે
– વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને સૈનિકોની માહિતી આપવા સાથે કાર્ડ, રાખડી એકત્ર કરે છે
આણંદ : ‘એક રાખડી ફોજી કે નામ’ અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી મોગરીની જ્ઞાનયજ્ઞા વિદ્યાલયના ધો. ૧૨માં અભ્યાસ કરતી ખુશી વૈદ્ય અલગ અલગ શાળામાં જઈને બાળકોમાં દેશ પ્રેમ જાગે અને તેઓ ભારતીય સૈન્યના ત્યાગ અને બલિદાન અંગે જાણે તેવા પ્રયત્નો સાથે દર વર્ષે રાખડી સાથે બાળકો પોતાના હાથે જ કાર્ડ અથવા તો મેસેજ લખીને મોકલે એવો પ્રયાસ કરી રહી છે.
ત્રણ વર્ષથી ખુશી રાખડી- કાર્ડ ભેગા કરી રક્ષાબંધને સેનાના જવાનોને મોકલે છે. આ વર્ષે લગભગ સાડા ચાર હજાર જેટલી રાખડીઓ તૈયાર કરીને મોકલવામાં આવી રહી છે.
એક મુલાકાતમાં ખુશી વૈદ્યે જણાવ્યું હતું કે, વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં તાપમાન માઈનસ ૨૦થી ૭૫ હોય છે. કપરી સ્થિતિમાં પણ ભારતીય સૈન્ય દ્વારા આ વિસ્તારનું રક્ષણ કરાય છે. સૈનિકને પાંચ મહિના ટ્રેનિંગ બાદ જીવનમાં ૯૦ દિવસ માટે જ ફક્ત એક વાર જ અહીં પોસ્ટિંગ અપાય છે. સિયાચીનનો એક ખૂણો પીઓકેને અને બીજો અક્ષય ચીનને અડે છે. ત્યારે કપરા અને દુર્ગમ વાતાવરણમાં પણ ભારતીય સૈન્ય ૨૪ કલાક તૈનાત રહે છે. ત્યારે એક નાના મેસેજથી સૈનિકોના ચહેરા પર સ્મિત લાવી શકે તે માટે રાખડી અને કાર્ડ ભેગા કરી દેશની સેવા કરતા જવાનોને મોકલે છે.