Parliament Monsoon Session : 2025માં દેશભરમાં રોડ અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, 2024માં કેટલા અકસ્માતો થયા છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું બાંધકામ કેવી રીતે ચાલી રહ્યું છે ? કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ તમામ પ્રશ્નનો સંસદમાં જવાબ આપ્યો છે.
ગડકરીએ સંસદમાં રજૂ કર્યા અકસ્માત-મોતના આંકડા
ગડકરીએ બુધવારે (23 જુલાઈ) રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું છે કે, ‘જાન્યુઆરી-2025થી જૂન-2025 સુધીમાં નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતોમાં કુલ 26,770 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વર્ષ 2024માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 52609 જીવલેણ અકસ્માતો થયા છે. 2023માં આ આંકડો 53,372 હતો.
આ પણ વાંચો : ‘મેડે…’, અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ
ટ્રાફિક ધરાવતા સ્થળો પર ATMS સિસ્ટમ સજ્જ
તેમણે એમ પણ કહ્યું કે, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI)એ સૌથી વધુ ટ્રાફિક ધરાવતા ધોરીમાર્ગો અને એક્સપ્રેસ હાઇવેને ઓળખીને, જેમ કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ, ટ્રાન્સ-હરિયાણા, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર ‘ઍડ્વાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લગાવી છે. ATMSમાં ઈલેક્ટ્રોનિક પ્રવર્તન ઉપકરણોની વ્યવસ્થા છે’ એટીએમએસનો ઉપયોગ કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા, નિયમોનો ભંગ કરતાં લોકોને શોધી કાઢવા અને પુરાવા એકત્રિત કરવા માટે થાય છે. આ ઉપકરણો ખાસ કરીને ટ્રાફિક નિયમોના અમલીકરણ અને માર્ગ સલામતી વધારવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નેશનલ હાઇવે પર નિર્માણ કામગીરી ધીમી પડી
ગડકરીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘રોડ અકસ્માતો ઘટાડવા અને જોખમભરી જગ્યાની ઓળખ અને તેમાં સુધારો કરવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં 1,12,561 કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગોનું રોડ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું છે. વર્ષ 2020-21માં પ્રતિદિન સરેરાશ 37 કિલોમીટર હાઇવેનું નિર્માણ કરાયું હતું, જોકે હવે 2023-24માં 34 કિલોમીટરનું નિર્માણ થયું છે.’ એટલે કે, દેશમાં રાષ્ટ્રીય હાઇવેના નિર્માણની કામગીરીમાં ઘટાડો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘દેશમાં 2022-23માં 10,331 કિલોમીટર, 2023-24માં 12,349 કિલોમીટર અને 2024-25માં કુલ 10,660 કિલોમીટર નેશનલ હાઇવેની નિર્માણ કામગીરી કરાઈ છે.
આ પણ વાંચો : ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઈટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું