![]()
– 2024માં નેશનલ હાઇવે પર 52,609 જીવલેણ અકસ્માતો થયા હતાં
– છેલ્લા ત્રણ વર્ષમાં 1,12,561 કિમીના નેશનલ હાઇવે પર રોડ સેફટી ઓડિટ કરવામાં આવ્યું : નીતિન ગડકરી
– સરકારે નહીં પણ એનજીટીએ જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે : સરકારની સ્ક્રેપિંગ પોલિસી 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકતી નથી
નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૬,૭૭૦ લોકોનાં મોત થયા છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં નેશનલ હાઇવે પર ૫૨,૬૦૯ જીવલેણ અકસ્માતો થયા હતાં.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે જેવા કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ટ્રાન્સ-હરિયાણા, ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એટીએમએસ) ઇન્સ્ટોલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે એટીએમએસમાં વિભિન્ન ઇલેકટ્રોનિક એન્ફોર્સમેન્ટ ઉપકરણોની જોગવાઇ છે જે હાઇવે પર થનારી ઘટનાઓની તાત્કાલિક ઓળખ કરવા અને હાઇવેની અસરકારક સમીક્ષા કરવામાં મદદ કરે છે. જેનાથી ઘટના સ્થળે તાત્કાલિક સહાયતા પ્રદાન કરી શકાય છે. એક અન્ય પ્રશ્રના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષોમાં ૧,૧૨,૫૬૧ કિમીના નેશનલ હાઇવે પર રોડ સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સરકારે જૂના વાહનો પર પ્રતિબંધ મૂક્યો નથી પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એનસીઆરમાં એક નિશ્ચિત સમય પછી ડીઝલ અને પેટ્રોલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની વાહનોની સ્ક્રેપિંગ પોલિસી ૧૫ વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)મા રાજ્યોનાં પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યા છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના સાત એપ્રિલ, ૨૦૧૫ના આદેશ અનુસાર ૧૦ વર્ષથી વધુ જૂના તમામ ડીઝલ વાહન અને ૧૫ વર્ષથી વધુ જૂના તમામ પેટ્રોલ વાહન ચલાવવામાં નહીં આવે.










