US Trade Deal : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારોની જાહેરાત કરી છે. આ કરારોનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં લાગુ થતા આયાત શુલ્કના પ્રભાવને ઘટાડવાનો અને આ દેશો સાથેના વેપાર સંબંધોને સુધારવાનો છે. જ્યારે ચીન સાથે વેપાર સમજૂતી હજુ સુધી અધ્ધરતાલ છે. ટ્રમ્પ ટ્રેડ ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે ભારતના મહત્ત્વના કહેવાતા ત્રણેય દેશો સાથે રણનીતિપૂર્વક ડીલ કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
અમેરિકાની જાપાનને મોટી રાહત
ટ્રમ્પની જાહેરાત મુજબ, જાપાનથી અમેરિકામાં આવતા ઉત્પાદનો પર 15 ટકા શુલ્ક લાગશે, જે અગાઉ 25 ટકા હતો. આ નિર્ણયથી જાપાનીઝ ઓટોમોટિવ ઉદ્યોગની ટોયોટા અને હોન્ડા જેવી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપનીઓને મોટો ફાયદો થશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર જાપાન અમેરિકામાં 550 બિલિયન ડૉલરનું રોકાણ કરશે, જેનાથી લાખો રોજગારી ઉભી થશે. જાપાન અમેરિકી કાર, ટ્રક, ચોખા અને કેટલાક અન્ય કૃષિ ઉત્પાદનો માટે તેના બજારો ખોલશે.
અમેરિકાની ફિલિપાઈન્સને આંશિક રાહત
અમેરિકાની સમજૂતી મુજપ, ફિલિપાઈન્સમાંથી આવતા ઉત્પાદનો પર હવે 19 ટકા ટેરિફ લાગશે. જોકે અગાઉ 20 ટકા ટેરિફ ઝિંકવાનો ખતરો હતો. ટ્રમ્પે જાહેરાત કરી કે ફિલિપાઈન્સ અમેરિકા સાથે ઓપન માર્કેટ બનવા જઈ રહ્યું છે અને અમેરિકી ઉત્પાદનો પર ઝીરો ટેરિફ લાગશે.
ઈન્ડોનેશિયા પર 19 ટકા ટેરિફની જાહેરાત
ઈન્ડોનેશિયાના ઉત્પાદનો પર અમેરિકામાં હવે 19 ટકા ટેરિફ લાગુ કરાયો છે, જે અગાઉ 32% હતો. ઈન્ડોનેશિયાએ અમેરિકી ઔદ્યોગિક, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો પરના ઝિંકેલા 99 ટકા ટેરિફને દૂર કરશે. ઈન્ડોનેશિયા અમેરિકી ઉત્પાદનો જેમ કે બોઇંગ એરક્રાફ્ટ, કૃષિ ઉત્પાદનો અને ઊર્જા ઉત્પાદનોની 50 બિલિયન ડૉલરથી વધુની ખરીદી કરશે. ઈન્ડોનેશિયા ક્રોસ-બોર્ડર ડેટા ફ્લો પર ટેક્સ લગાવવાનું બંધ કરશે અને અમેરિકી વાહન સુરક્ષા ધોરણોને સ્વીકારશે. મુખ્ય ખનિજો (જેમ કે નિકલ, કોપર અને કોબાલ્ટ) પરના નિકાસ નિયંત્રણો પણ દૂર કરશે.
જાપાની કંપનીઓ ભારતમાં બનેલા ઉત્પાદનો અમેરિકા મોકલવા ઉત્સુક
ભારત-જાપાન વચ્ચે સારા વેપાર સંબંધો છે, ત્યારે ટ્રમ્પે અમેરિકા-જાપાનની ટ્રેડ ડીલને સૌથી મોટી ગણાવી છે. ટ્રમ્પની જાહેરાત બાદ ટોયોટા, હોંડા, નિશાન જેવી કંપનીઓના શેરમાં વધારો થયો છે. ટોયોટા, હોંડા જેવી કંપનીઓ પહેલેથી જ ભારતમાં કાર્યરત છે અને તેઓને આશા છે કે, અમેરિકામાં તેમના ઉત્પાદનોની માંગ વધશે. ઓટોમોબાઈલ સેક્ટરના નિષ્ણાંતોના મતે, જાપાની કંપનીઓ ભારતમાં બનાવેલા ઉત્પાદનો અમેરિકામાં વેચવા માટે ઉત્સાહિત છે. 15 ટકા ટેરિફ છતાં આ કંપનીઓ માટે ભારતમાં બનેલા ઉત્પાદનો અમેરિકા મોકલવા વધુ આર્થિક સાબિત થશે.
ચીન સાથે ટ્રેડ વાતચીત અધ્ધરતાલ
અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર વાતચીત હજુ પણ અધ્ધરતાલ છે. જોકે અમેરિકાના નાણાંમંત્રી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે, વેપાર સમજૂતી પર ચર્ચા કરવા માટે બંને દેશોને વધુ સમય મળે તે માટે ડેડલાઈનમાં 12 ઓગસ્ટ સુધીનો વધારો થઈ શકે છે. ટ્રમ્પ પણ ટૂંક સમયમાં ચીન જવાના છે, જેનાથી સંકેત મળી રહ્યા છે કે, બંને દેશો વચ્ચે વેપારમાં નવો તબક્કો શરૂ થઈ શકે છે. જોકે હાલ ચીનને કોઈપણ રાહતની આશા નથી.
ભારત પર 26 ટકા ટેરિફનો ખતરો
અમેરિકા અને ભારત વચ્ચે વેપારનું વલણ સ્પષ્ટ નથી. બંને દેશો વચ્ચે કૃષિ સેક્ટર મામલે વાતચીત અટકી ગઈ છે. નિષ્ણાંતોના મતે ભારત પર 26 ટકા ટેરિફનો ખતરો છે. ભારતથી અમેરિકા આયાત થતા ઉત્પાદનો પર એપ્રિલથી 10 ટકાની બેઝ ડ્યુટી પહેલેથી જ લાગુ છે, જેના કારણે ભારત જેવા દેશોના નિકાસકારો પર વધારાનો બોજ વધ્યો છે.