શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતમાં પૌરાણિક શિવ મંદિરનો મહિમા વધી રહ્યો છે તેમાં પણ તાપી કિનારે ફુલપાડા માં પ્રભાવશાળી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બની જાય છે. આ મંદિર માટે એવી લોકવાયકાઓ છે કે, આ પૌરાણિક મંદિરે શિવજી બ્રહ્મ હત્યાનું પાપ અને ગંગાજી પાપ ધોવા આવ્યા હતા ગુપ્ત રીતે તેઓ અહી રોકાયા હતા. એટલું જ નહીં પરંતુ પાંડવો વનવાસ વખતે ગુપ્તવાસમાં આ જગ્યાએ રોકાયા હતા. આજે વર્ષો બાદ પણ આ મંદિરનું મહત્વ શ્રધ્ધાળુઓમાં યથાવત રહ્યું છે આ પૌરાણિક મંદિર નો ઉલ્લેખ તાપી પુરાણનો સ્કંધ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે.હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ પૌરાણિક મંદિર આજે પણ શ્રધ્ધાળુઓ શિવ ભક્તિ માટે શિવ આરાધના માટેનું મંદિર બની જાય છે.
શ્રાવણ માસની શરૂઆત સાથે સુરતીઓ બાર મહાદેવ તથા અન્ય ધાર્મિક પ્રવાસે જાય છે ત્યારે કેટલાક શિવ ભક્તો સુરત જ નહી પરંતુ દક્ષિણ ગુજરાત થી સુરત ખાતે આવેલા પૌરાણિક શિવ મંદિરોમાં શિવ આરાધના કરવા માટે આવે છે. આવું જ એક પૌરાણિક મંદિર તાપી કિનારે પાંચ પાંડવ ઓવારા ખાતે ફુલપાડા વિસ્તારમાં આવ્યું છે અને તે મંદિરનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ અને સ્કંધ પુરાણમાં કરવામા આવ્યો છે. એવુ કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના દશરથ પુત્ર અને ભગવાન રામજીના ભાઈ ભરતે કરી હતી.
શ્રધ્ધાળુ આ મંદિર અંગે માહિતી આપતા કહે છે કે આ મંદિર માટે અનેક દંતકથા છે તેમાં એવી વાત છે કે, મહાદેવજીએ બ્રહ્માજીનું પાંચમુ મુખ વાઢી નાખ્યું હતું તેથી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. જેના કારણે આ પાપ ધોવા માટે શિવજી ગંગાજી કિનારે ગયા હતા પરંતુ ગંગાજી ત્યાં જોવા મળ્યા ન હતા તેથી શિવજીએ તેમની દ્રષ્ટિ થી જોયું તો ગંગાજી ગુપ્ત રીતે તાપી નદીમાં આવ્યા હતા. તેથી શિવજી પણ ગુપ્ત રીતે ગંગાજી પાસે પહોંચી ગયા હતા. ગંગાજી સુરતની તાપી નદી કિનારે આવ્યા હતા તો શિવજીએ તેમને આવવાનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું હતું કે હજારો લોકો પોતાના પાપ મારામાં સ્નાન કરીને ધોઈ છે તેથી પાપનો ભાર વધી ગયો છે તેથી આ પાપ ધોવા માટે તેઓ અહીં આવ્યા છે. તો શિવજીએ પણ કહ્યું મારે પણ બ્રહ્મ હત્યાનું પાપ છે તેથી મારે પણ પાપ ધોવા છે. આમ આ જગ્યાએ ગુપ્ત રીતે ગંગાજી અને શિવજીએ સ્નાન કર્યું હતું તેથી આ જગ્યાને ગુપ્તેશ્વર કહેવામાં આવે છે. વર્ષોથી આ જગ્યાએ મહાદેવજીનું મંદિર છે તેથી આ મંદિર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આ પાંડવ વખતનું મંદિર હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ ઉપરાંત અહીં ગુપ્ત ગંગા વહેતું હોવાનું પણ કહેવામાં આવે છે. શિવજીની જટામાંથી ઉત્પન્ન થયેલી ગંગાજી અને શિવજીએ આ ક્ષેત્રમાં ગુપ્તવાસ કર્યો હતો જેથી તેમની સ્મૃતિ રૂપે અહીં પ્રાચીન શ્રી ગુપ્તેશ્વર મહાદેવ નું ભવ્ય મંદિર શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે અનેરું સ્થાન ધરાવે છે.
પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો તે સમય દરમિયાન પાંડવો તાપી નદીના આ કિનારા પર લાંબો સમય વિતાવ્યો હતો અને તેના કારણે આ જગ્યાએ પાંચ પાંડવોના મંદિર પણ આવ્યા છે.
કર્ણને દાહ અપાયા બાદ પાંચેય પાંડવોએ કર્ણનું તર્પણ આ સ્થળ પર કર્યું હતું.
તાપી નદી કિનારે ફુલપાડા ખાતે આવેલા પાંચ પાંડવ ઓવારાનું અનેરુ ઐતિહાસિક મહત્વ છે. ફુલપાડા ના તાપી નદીના કિનારા પર આવેલા પાંચ પાંડવના ઓવારા નજીક આવેલા ત્રણ પાનના વડની કુંવારી ભૂમિ ઉપર કર્ણને અગ્નિ દાહ આપવામાં આવ્યો હોવાનો મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત કર્ણને દાહ અપાયા બાદ પાંચેય પાંડવોએ કર્ણનું તર્પણ આ સ્થળ પર કર્યું હતું.
પૌરાણિક પાંચ પાંડવની પ્રતિમા આજે પણ અહીં છે
આ મંદિર નજીક પાંચ પાંડવ ઓવારો છે અને પાંચ પાંડવોની પ્રાચીન પ્રતિમા મંદિરની નીચેના ભાગે જોવા મળે છે. આ જગ્યાએ કર્ણનું તર્પણ પાંડવોએ કર્યું હતું ત્યારથી આ જગ્યા તર્પણ વિધી માટે જાણીતી બની છે અને આજે પણ અહી શ્રાધ્ધ શાળા જોવા મેળે છે. દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકોના ઘરના સ્વજન ના અવસાન થાય ત્યાર બાદ અનેક લોકો પરિવારના મૃતક સ્વજનની તર્પણ વિધી કરવા માટે પાંચ પાંડવ ઓવારા પર વર્ષોથી આવે છે. આ જગ્યાએ તર્પણ કરવામા આવે તો પિતૃઓને મોક્ષ મળે છે તેવી માન્યતા આજે પણ ચાલી આવી છે. આ ઉપરાંત અનેક ધર્મવિધી પણ આ ઓવારા પર કરવામાં આવે છે.
પાળો બની જતા મંદિરથી તાપી દર્શન માટે ઓટલો બનાવ્યો છે
સુરતમાં 2006ની રેલ પહેલાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરથી સીધા તાપી દર્શન થઈ જતા હતા. પરંતુ રેલ બાદ સુરતની તાપી નદી પર બનેલા પાળાના કારણે તાપી કિનારાની ઐતિહાસિક ધરોહર સામે ખતરો ઉભો થયો છે. પાળા બની ગયા બાદ હવે આ મંદિરમાંથી તાપી માતાના દર્શન કરવું મુશ્કેલ બન્યું છે તેથી હવે તાપી દર્શન માટે ઓટલો બનાવવામા આવ્યો છે. પાળાની ઉંચાઈ સુધી ઓટલો છે આ ઓટલા પર ઉભા રહો એટલે હવે તાપી દર્શન શ્કય બને છે.