વડોદરાઃ સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનું નામ સાંભળીએ એટલે નજર સામે પોલીસની અવરજવર, આરોપીઓ સાથે કડક વ્યવહાર,મુદ્દામાલના વાહનો અને સ્ક્રેપનો ખડકલો જેવા દ્શ્યો સામે આવે.પરંતુ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ માન્યતા ખોટી પડશે.કારણકે આ પોલીસ સ્ટેશન ગ્રીન પોલીસ સ્ટેશન બની ગયું છે અને જાણે ગાર્ડનમાં બેઠા હોય તેવો અહેસાસ થશે.
વડોદરાના નાગરવાડામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની સિવિલ હોસ્પિટલમાં ઘાતકી હત્યાનો બનાવ બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને જોતાં પાણીગેટના પીઆઇ હરિત વ્યાસને 9 મહિના પહેલાં તાત્કાલિક કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા અને બે દિવસ પહેલાં જ ટ્રાફિકમાં ટ્રાન્સફર કરાતાં લોકોએ કાળી પટ્ટી પહેરી વિરોધ પણ કર્યો હતો.
પીઆઇએ ગુનેગારો પર પકડની સાથે સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફના આરોગ્ય તેમજ પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોમાં પોલીસની સારી છાપ ઉભી થાય તે હેતુથી ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા તૈયારી કરી હતી.જે માટે તેમને ગ્રીન પોલીસ સ્ટેશનનો વિચાર સ્ફૂર્યો હતો અને ડીસીપી પન્ના મોમાયાએ આ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન આપતાં માત્ર એક જ મહિનામાં તેમણે સ્ટાફના અરવિંદભાઇ અને જયેશ ભાઇ સહિતની ટીમ સાથે માત્ર એક જ મહિનામાં પ્રાંગણને સાફ કરી સમતળ કર્યું હતું. આ માટે 12 ટ્રેક્ટર માટી નાંખી હતી અને જુદાજુદા પ્રકારના 400 થી વધુ નાના મોટા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
વરસાદનો સમય હતો એટલે વાતાવરણ લીલુંછમ બનતાં વાર ના લાગી.પરિણામે આજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આવનાર વ્યક્તિને ઢાઢક મળે તેમ છે.
માત્ર એટલું જ નહિ પણ ડીસીપી પન્નાબેનના સૂચનથી અહીં પક્ષીઓ માટે ચબૂતરો પણ ઉભો કરાયો.પીઆઇ એ તરત જ પાણીના 40 કૂંડા મૂકાવ્યા.જેથી પક્ષીઓનો કિલકિલાટ સાંભળવા મળી રહ્યો છે.પક્ષીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આવું વડોદરાના કોઇ પોલીસ સ્ટેશનમાં જોવાયું નથી.