MEA spokesperson Randhir Jaiswal Briefing: વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આતંકવાદ સામે લડવાના અમારા સંકલ્પને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ‘અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે એક સાથે આવે.’
‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ નથી’
ભારતના વિદેશ મંત્રીએ હાલમાં જ અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, ‘આ વાતચીતમાં વિદેશ મંત્રીએ પહલગામ આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરવા માટે અફઘાનના મંત્રીનો આભાર માન્યો હતો. વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ આ વાતને ફગાવી હતી કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ છે. તેમણે કહ્યું કે, કેટલાક ખોટા અને મનફાવે તેવા રિપોર્ટ દ્વારા બંને દેશો વચ્ચે ભ્રમ ફેલાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે, જેને ભારત સંપૂર્ણ રીતે ફગાવે છે.’
‘પાકિસ્તાનને કહો કે, આતંકવાદનું સમર્થન બંધ કરે’, ભારતની તૂર્કીયેને સલાહ
તૂર્કીયે અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, ‘અમે આશા કરીએ છીએ કે, તૂર્કીયે, પાકિસ્તાનને એ અપીલ કરશે કે તેઓ બોર્ડર પાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે અને તે આતંકવાદી માળખા વિરૂદ્ધ વિશ્વસનીય અને આકરા પગલાં ભરે, જેને તેમણે વર્ષોથી આશરો આપી રાખ્યો છે. દ્વિપક્ષીય સંબંધો એક-બીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતાના આધાર પર જ બને છે. સેલેબી મામલે તૂર્કીયે એમ્બેસી સાથે ચર્ચા થઈ છે. પરંતુ મારી સમજ અનુસાર, આ નિર્ણય નાગરિક ઉડ્ડયન સુરક્ષા દ્વારા લેવાયો હતો.’
પાકિસ્તાનનો પ્રર્દાફાશ કરવો જરૂરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે, ‘આગામી દિવસોમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળની વિદેશ યાત્રામાં આતંકવાદ વિરૂદ્ધ ભારતની લડાઈને પ્રાધાન્યતાથી રજૂ કરાશે. જે દેશ આતંકવાદને સમર્થન આપી રહ્યો છે, તેને જવાબદાર ગણાવવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ખુલ્લું પાડવું જરૂરી છે.’
‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘કુલ સાત પ્રતિનિધિમંડળ છે. ત્રણ પ્રતિનિધિમંડળ રવાના થઇ ચૂક્યા છે. આ એક રાજનીતિક મિશન છે. આપણો ઉદ્દેશ્ય દુનિયાથી વ્યાપક સંપર્ક સ્થાપિત કરવાનો છે, જેથી આપણે એ સંદેશ આપી શકીએ કે ભારત આતંકવાદ વિરૂદ્ધ લડાઈ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમે ઇચ્છીએ છીએ કે, દુનિયા આતંકવાદના તમામ રૂપો અને સ્વરૂપો વિરૂદ્ધ એકજૂટ થાય. અમે દુનિયાને અપીલ કરીએ છીએ કે બોર્ડર પારથી થનારા આતંકવાદ માટે જવાબદાર લોકોને જવાબદાર ગણાવવામાં આવે. જે દેશ છેલ્લા 40 વર્ષોથી ભારત વિરૂદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે. પાકિસ્તાનની ગતિવિધિઓને ઉજાગર કરવી જરૂરી છે. તેમણે ભારત પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર ગણાવવું જોઈએ.’
કાશ્મીર મુદ્દે માત્ર PoK મુદ્દે વાત થશે
ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા MEA પ્રવક્તાએ કહ્યું કે, ‘ભારતની સ્થિતિ પહેલા જ સ્પષ્ટ કરાઈ ચૂકી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચર્ચા માત્ર દ્વિપક્ષીય સ્તરે થઈ શકે છે. કોઈ ત્રીજા દેશની તેમાં કોઈ જરૂર નથી. જમ્મુ કાશ્મીર સંદર્ભમાં ભારત માટે એકમાત્ર મુદ્દો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની વાપસી છે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘જો પાકિસ્તાન તે આતંકવાદીઓને સોંપવા માગે છે જેમના નામ ભારતે વર્ષો પહેલા ઉપલબ્ધ કર્યા હતા, તો ભારત વાતચીત માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આતંકવાદ અને વાતચીત એકસાથે ન ચાલી શકે, ન આતંકવાદ અને વેપાર સાથે કરી શકાય છે. સિંધુ જળ સંધિ ત્યાં સુધી રદ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ કોઈ આકરાં પગલા ન ભરે.’