અમદાવાદ,સોમવાર
શહેરના ચાંદખેડામાં વેપાર કરતા એક વ્યક્તિને અડધી કિંમતમાં ૧૨ તોલાની ચેઇન આપવાનું કહીને ગઠિયાઓએ તેની પાસેથી છ લાખની રકમ લઇને બનાવટી ચેઇન પધરાવી દીધી હતી. આ અંગે ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડે છેતરપિંડી આચરતી બાવરી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લીધા હતા. આરોપીએ છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે તેને પહેલા અસલી સોનાની ચેઇન બતાવતા હતા.
શહેરના ચાંદખેડામાં રહેતા ગોવારામભાઇ પ્રોવિઝન સ્ટોર ચલાવીને વેપાર ધંધો કરે છે. થોડા દિવસ પહેલા તે દુકાન પર હતા ત્યારે બે અજાણી વ્યક્તિ તેમની પાસે આવી હતી અને તેમણે કહ્યું હતું કે તે મજુર તરીકે ખોદકામનું કામ કરે છે. તેમને એક સાઇટ પર ખાડો ખોદતા સોનાના દાગીના મળ્યા છે. જેમાંથી તેમની પાસે ૧૨ તોલાનો સોનાનો ચેઇન છે. જે છ લાખમાં આપવાનો છે. જેથી ગોવારામભાઇ તપાસ કરતા તે અસલી હતો. પરંતુ, તેમની પાસે છ લાખ રૂપિયા નહોતા. જેથી તેમણે નાણાંની વ્યવસ્થા કરીને ફોન કરવાનું કહ્યું અને થોડા દિવસ બાદ છ લાખની રોકડની વ્યવસ્થા થતા તેમણે સોનાની ચેઇન લઇને આવેલા વ્યક્તિને કોલ કરતા તેમને વૈષ્ણોદેવી સર્કલ પાસે બોલાવ્યા હતા અને સોનાની ચેઇન આપીને છ લાખ રૂપિયા લીધા હતા.
સોનાની ચેઇન અંગે બાદમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે મીશ્ર ધાતુની હતી. જેથી આ અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધવામા ંઆવી હતી. ડીસીપી ઝોન-2 ભરત રાઠોડના સ્ક્વોડના સ્ટાફને જાણવા મળ્યું હતું કે આ પ્રકારની છેતરપિંડી રાજસ્થાનની બાવરી ગેંગ દ્વારા કરવામાં આવે છે.
જેના આધારે પીએસઆઇ કે ડી પટેલે તેમના સ્ટાફ સાથે સર્વેલનસ ગોઠવીને ગંગારામ મુંગીયા (રહે. ઝાલોર, રાજસ્થાન), બાબુલાલ દોલાજી (રહે. વૈજનાથ સોસાયટી, કલોલ) અને પન્નારામ ડાભી (રહે . કૃષ્ણનગર)ને ઝડપી લીધા હતા. આરોપીઓએ મહેસાણા, બનાસકાંઠા અને સુરતમાં પણ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડથી લાખોની છેતરપિંડી કરી હતી.