વડોદરાઃ નવરાત્રીમાં માતાજીની ભક્તિ અને આરાધનાનો વિશેષ મહિમા છે.જોકે ઈશ્વરના દેવી સ્વરુપની પૂજા ભારતમાં સદીઓથી થતી આવી છે અને તેની સાક્ષી પૂરતી મૂર્તિઓ વડોદરા મ્યુઝિયમમાં સેંકડો વર્ષોથી સચવાયેલી છે.
આ પૈકીની ચામુંડા માતાની મૂર્તિ તો પાંચમી સદીની છે.આ મૂર્તિ આર્કિઓલોજી વિભાગના ઉત્ખનન દરમિયાન ઉત્તર ગુજરાતમાં ઈડર નજીકથી મળી આવી હતી.જે તે સમયે આ મૂર્તિ મ્યુઝિમને આપવામાં આવી હતી.મ્યુઝિયમના આર્કિઓલોજી વિભાગમાં આ મૂર્તિ સચવાયેલી છે.
મ્યુઝિયમ ક્યુરેટર વિજય પટેલનું કહેવું છે કે, માતાજીના વિવિધ સ્વરુપો દર્શાવતી પંદર જેટલી મૂર્તિઓ આ વિભાગમાં છે.જે ભારતીય પરંપરાઓમાં નારી શક્તિ અને માતૃ શક્તિની આરાધનાનું મહત્વ દર્શાવે છે.મોટાભાગની મૂર્તિઓ પાંચમી સદીથી માંડી ૧૬મી સદી સુધીના અલગ અલગ સમયગાળામાં બની હતી અને તે ગુજરાતમાંથી મળી આવી હતી.જે અલગ અલગ સમયે વડોદરા મ્યુઝિયમને આપવામાં આવી હતી.
દુર્ગા માતાની મૂર્તિ ૧૨મી સદીની છે
મ્યુઝિયમના આર્કિઓલોજી વિભાગમાં પ્રવેશતાની સાથે જ દુર્ગા માતાની મૂર્તિ જોવા મળે છે.આ મૂર્તિ ૧૨મી સદીની છે અને ડભોઈ પાસેથી તે મળી આવી હતી.દુર્ગા માતાનું વાહન સામાન્ય રીતે વાઘ હોય છે.આ મૂર્તિમાં માતાજીના પગની નીચે સિંહ બેઠેલો જોવા મળે છે.
બંગાળની ૧૨મી સદીની અંબા માતાની મૂર્તિ
અન્ય એક મૂર્તિ અંબા માતાની છે અને તે ૧૨મી સદીની છે.જે બંગાળમાંથી મળી આવી હતી.આ મૂર્તિના ખોળામાં બાળક પણ જોઈ શકાય છે.ગુજરાતમાંથી મળેલી મૂર્તિઓ કરતા આ મૂર્તિની શૈલી અલગ પ્રકારની છે.
શિષ્ટ સ્ટોનમાંથી બનેલી બ્રહ્માણીની મૂર્તિ
અન્ય એક મૂર્તિ બ્રહ્માણીની છે.જેનું સર્જન આઠમી અથવા નવમી સદીમાં થયું હોવાનું મનાય છે.આ મૂર્તિ શિષ્ટ સ્ટોનમાંથી બનેલી છે અને તે શામળાજી પાસેથી મળી આવી હતી.મૂર્તિ લગભગ અકબંધ છે.
લક્ષ્મી માતાની મૂર્તિ ૧૬મી સદીની, મથુરા પાસેથી મળી હતી
ગરુડ પર બીરાજેલા લક્ષ્મી માતાની મૂર્તિ ૧૬મી સદીની છે અને તે મથુરા નજીકથી મળી આવી હતી.આ મૂર્તિ પણ લગભગ અકબંધ સ્થિતિમાં છે અને કોઈ જગ્યાએથી ખંડિત થઈ નથી.માતાજીના હાથમાં ચક્ર અને ગદા પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
૪૦૦૦ વર્ષ પહેલાની સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ નારી શક્તિની પૂજા થતી હતી
ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીન અને મ્યુઝિઓલોજી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અંબિકા પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ઉત્ખનન દરમિયાન ૯મી અને ૧૦મી સદીમાં બનેલી સેંકડો મૂર્તિઓ જે તે સમયે મળી આવી હતી.ભારતમાં નારી શક્તિની આરાધના સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી પ્રચલિત હોવાનું મનાય છે.કારણકે ઉત્ખનન દરમિયાન આ પ્રકારની માટીની મૂર્તિઓ મળી આવી છે.જે લગભગ ૪૦૦૦ વર્ષ જૂની છે.દિવાલો પર બનેલા હજારો વર્ષ જૂના ભિંતચિત્રો પણ એ તરફ નિર્દેશ કરે છે.