Supreme Court On Bihar SIR: સુપ્રીમ કોર્ટે મંગળવારે બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી. આ દરમિયાન કહેવાયું હતું કે, આ મુદ્દે આગામી સુનાવણી 12 અને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું. કોર્ટે ચૂંટણી પંચ (ECI) ને ચેતવણી આપી છે કે જો આ પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા અથવા વિસંગતતા જોવા મળી તો તે હસ્તક્ષેપ કરતાં જરાય ખચકાટ અનુભવશે નહીં.
અગાઉ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, બિહારમાં મતદારોની યાદીનું SIR થયા બાદ મતદારોની યાદીનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો છે. જેની જાણકારી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવી છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, મુસદ્દો યાદીની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
SIR પ્રક્રિયામાં ઘણાં બાકાત હોવાનો આરોપ
અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને વકીલ પ્રશાંત ભૂષણે ફરી એકવાર આરોપ મૂક્યો હતો કે 1 ઓગસ્ટના રોજ ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત થનારી ડ્રાફ્ટ યાદીમાં ઘણાંને બાકાત રાખવામાં આવ્યા છે, જેના કારણે તેઓ મતદાન કરવાનો તેમનો અધિકાર ગુમાવી દીધો.
આ અંગે બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેણે કાયદાનું પાલન કરવું પડશે અને જો કોઈ અનિયમિતતા હોય, તો અરજદારો કોર્ટમાં સુઓ મોટો દાખલ કરી શકે છે. બેન્ચે સિબ્બલ અને ભૂષણને પણ કહ્યું કે, ‘તમે એવા 15 લોકોને અમારી સમક્ષ રજૂ કરો કે, જેમનો આ યાદીમાં સમાવેશ થયો નથી. અમે તેમને ન્યાય અપાવીશું.’
અરજીમાં મૂકાયેલા આરોપ
અરજદારોમાં મુખ્યત્વે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સામેલ છે. તેણે ચૂંટણી પંચના 24 જૂનના જાહેરનામાને પડકાર્યો છે જેમાં બિહારમાં હાથ ધરાયેલી વોટર રિવિઝન પ્રક્રિયા સમાવિષ્ટ છે. અરજદારે દાવો કર્યો છે કે, ચૂંટણી પંચનું આ પગલું બંધારણની કલમ 14, 19, 21, 325 અને 326નું ઉલ્લંઘન કરે છે. અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદાર નોંધણી નિયમો, 1960માં નિર્ધારિત પ્રક્રિયાથી વિપરિત છે.
આ પણ વાંચોઃ આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ
સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી
જસ્ટિસ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો ચૂંટણી પંચના જાહેરનામાંમા જરા પણ વિસંગતતા જોવા મળી તો અમે હસ્તક્ષેપ કરીશું. આ મામલે સુનાવણી બે તબક્કામાં થઈ શકે છે. પહેલો તબક્કો 12-13 ઓગસ્ટ અને બીજો તબક્કો સપ્ટેમ્બરમાં. જેમાં અંતિમ યાદી પર નડી રહેલી અડચણો દૂર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એડવોકેટ નેહા રાઠીની અરજદારો તરફથી નોડલ કાઉન્સિલ તરીકે પસંદગી કરી છે. તેમને આઠ ઓગસ્ટ સુધી સંપૂર્ણ અરજી અને ડોક્યુમેન્ટ્સની યાદી સોંપવા કહ્યું છે.
ચૂંટણી પંચે મૂક્યો પક્ષ
ચૂંટણી પંચ વતી દલીલો કરનારા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, પંચને બંધારણના અનુચ્છેદ 324 અને જન પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 21 (3) હેઠળ આ પ્રકારની કામગીરી કરવાનો અધિકાર છે. રાજ્યમાં શહેરી પલાયન, વસ્તીમાં ફેરફાર, તથાં છેલ્લા 20 વર્ષથી ગહન પુનરિક્ષિણ ન થયુ હોવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આધાર કાર્ડ અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજોને પણ નકલી પ્રક્રિયા મારફત મેળવી શકાય છે. જેથી માન્ય દસ્તાવેજોને યાદીમાં સામેલ કરતાં પહેલાં સાવચેતી જાળવવી આવશ્યક છે.
65 લાખ મતદારોને દૂર કરાયા હોવાનો આરોપ
અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની આ પ્રક્રિયામાં લગભગ 65 લાખ મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ મોટો આંકડો છે. જે લોકતંત્રના અધિકારીઓનું હનન કરે છે. આ મુદ્દે ચૂંટણી પંચના વકીલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, હજી સંપૂર્ણ આંકડો આવ્યો નથી. હજુ વાસ્તવિક ચિત્ર રજૂ કરાયું નથી. 15 સપ્ટેમ્બર સુધી અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.