Vadodara : વડોદરા કોર્પોરેશન દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે શહેરમાં છ કૃત્રિમ તળાવ બનાવ્યા છે. કોર્પોરેશને જે જુના કૃત્રિમ તળાવ છે, તે રીનોવેટ કર્યા છે. આ જ તળાવનો ઉપયોગ શ્રીજી વિસર્જન સમયે પણ કરવામાં આવશે. કૃત્રિમ તળાવ અંગે થયેલી તૈયારીઓ સંદર્ભે કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ અને અધિકારીઓ વિવિધ તળાવની આજે બપોરે વિઝીટ કરવાના છે. વિસર્જન યાત્રા સમયે બંદોબસ્ત સંદર્ભે પોલીસ તંત્ર સાથે બેઠક કરવામાં આવશે.
દશામાની મૂર્તિના વિસર્જન તળાવમાંથી વિસર્જિત થયેલી મૂર્તિઓનો કાટમાળ વગેરે બહાર કાઢીને તમામ તળાવની અલગ અલગ વ્યવસ્થા કરીને સફાઈ કરવામાં આવશે, કેમ કે એ પછી ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે, અને તેના માટે પણ તળાવ તૈયાર કરવામાં આવશે. બિલ સોખડા સ્મશાન સામે ગઈકાલથી કૃત્રિમ તળાવમાં પૂજા વિધિ બાદ પાંચ નદીના જળ અર્પણ કરીને તળાવમાં પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. બિલ, તલસટ અને કલાલી ગામના લોકોને અહીં માતાની મૂર્તિના વિસર્જન માટે સુવિધા મળી રહેશે. ગયા વખતે અહીં આશરે 1,700 શ્રીજીની પણ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને આ વખતે પણ અહીં વિસર્જન થઈ શકશે. કોર્પોરેશન દ્વારા જે છ તળાવ બનાવવામાં આવ્યા છે, ત્યાં તરાપા મુકવા લાઈટો ફીટ કરવી વગેરે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ ઝોનમાં કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં, હરણી હનુમાન મંદિરની સામેના કુંડમાં, પશ્ચિમ ઝોનમાં ગો૨વા સ્થિત દશામા તળાવ, ભાયલી, બીલ ,દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે અને મકરપુરા ગામ ખાતે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.