Education: સરકાર દ્વારા તમામ DPEO (ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર) અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર કરીને ખાસ કડક આદેશ કરાયો છે કે, જે પ્રાથમિક સ્કૂલોમાં શૂન્ય બાળકો હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે. જો બંધ નહીં થાય તો આ માટે સંબંધિત TPEO (તાલુકા પ્રા. શિક્ષણાધિકારી) અને DPEO સહિતના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામા આવશે.
આ પણ વાંચોઃ સ્માર્ટ મીટર કે ચીટર મીટર : ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો સામે તંત્રનું ભેદી મૌન
સ્કૂલો સામે તપાસના આદેશ
રાજ્યની સરકારી -કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ DPEO-શાસનાધિકારીઓને સૂચના આપવામા આવી છે કે, 31 જુલાઈની કટ ઑફ ડેટ મુજબ આ સ્થિતિએ શાળામાં દાખલ થયેલી તમામ બાળકોની વિગતો સીટીએસ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત એસએએસ પોર્ટલ અને ટીચર પોર્ટલ પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો પણ અપડેટ કરવાની કામગીરી કરવાની રહેશે. સરકારના નવા ઠરાવ મુજબ મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમો પ્રમાણે મુખ્ય શિક્ષક-સ્કૂલ આચાર્યના મહેકમ નક્કી કરવાનું છે. જેથી ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓની સંખ્યા સાથે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરવાની રહેશે.
આ પણ વાંચોઃ સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ
આભાસી સંખ્યા દર્શાવી તો લેવાશે પગલાં
આ ઉપરાંત, દિવ્યાંગ બાળકોની માહિતી પણ અલગથી ભરવાની રહેશે. જેમાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને જ અને યુડીઆઈડી પોર્ટલ પર નોંધાયેલ બાળકોની માહિતી તૈયાર કરી પોર્ટલમાં ભરવાની રહેશે. જે સ્કૂલોમાં બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સ્કૂલો તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે. જો તેમ નહીં કરાય તો ટીપીઈઓ-ડીપીઈઓ અને એજ્યુકેશન ઓફિસરોની જવાબદારી નક્કી કરવામા આવશે. જે શાળામાં એક કે બે વિદ્યાર્થી હોવાના કારણે આભાસી સંખ્યાનું ચિત્ર દર્શાવી એટલે કે ખોટી સંખ્યા દર્શાવી વધારાના શિક્ષક મેળવવા કે મહેકમ જાળવવાની ઘટના બને તો આવી સ્કૂલોની વિગતો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે જ ચકાસણી કરવાની રહેશે.