Maharashtra Political News : મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાઈ ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કરી પાર્ટી કાર્યકર્તાઓને મહત્ત્વની સલાહ આપી છે. આ સાથે તેમણે બૃહદ મુંબઈ કોર્પોરેશન (BMC) ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને એક થવાનું પણ આહવાહન કર્યું છે.
રાજ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો સંદેશ
વાસ્તવમાં બીએમસીની ચૂંટણીને ધ્યાને રાખી બાંદ્રાના રંગશારદા હૉલમાં રાજ ઠાકરેની ઉપસ્થિતિમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. આ દરમિયાન તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે મેળાપનો પણ ઉલ્લેખ કર્યો છે. બે દાયકાના રાજકીય વાંધા બાદ બંને ભાઈ એક થયા છે.
‘બીએમસી ચૂંટણીની તૈયારી શરૂ કરી દો’
બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા રાજ ઠાકરે (Raj Thackeray)એ કહ્યું કે, ‘જો અમે બંને ભાઈઓ 20 વર્ષ બાદ એક થઈ શકીએ છીએ તો તમે લોકો અંદરોઅંદર કેમ લડી રહ્યા છો? કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ વચ્ચે કોઈપણ વિવાદ ઉભો કરવાના બદલે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દો.’
રાજે મરાઠી ભાષાનો પણ કર્યો ઉલ્લેખ
કાર્યકરો સાથેની બેઠક દરમિયાન રાજ ઠાકરેએ મરાઠી ભાષાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કાર્યકર્તાઓને નિર્દેશ આપતા કહ્યું કે, ‘કોઈપણ કારણ વગર કોઈને પણ ન મારો, પહેલા સમજાવો… જો તેઓ મરાઠી શીખવા અને બોલવા માટે તૈયાર છે તો તેમને શીખવાડો, પરંતુ જો તેઓ ઘમંડ દેખાડે તો આવું જ વલણ અપનાવો. વીડિયો ન બનાવો.’
આ પણ વાંચો : ‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ
છેલ્લા ઘણા સમયથી અનેક વખત ભેગા થયા ઠાકરે બંધુ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે બંને ફરી એક થશે તેવી અટકળો ચાલી રહી છે. રાજકીય મતભેદો હોવા છતાં, તાજેતરમાં ઠાકરે બંધુઓએ કેટલાક સામાજિક અને પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જુલાઈ 2025માં રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પણ ગયા હતા. સૌથી મોટો સંકેત ત્યારે મળ્યો જ્યારે બંને નેતાઓએ એક ભાષાકીય મુદ્દા પર, એટલે કે હિન્દીને શાળાઓમાં ફરજિયાત કરવાની નીતિ સામે, એક મંચ પર સાથે આવીને વિરોધ કર્યો હતો. આ ઘટનાને ઠાકરે બંધુ એક થવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
મરાઠી વોટ બેંક માટે બે ભાઈઓનું એક થવું જરૂરી?
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ખુલ્લેઆમ કહ્યું છે કે તેઓ રાજ ઠાકરે સાથે આવવા તૈયાર છે. જોકે, રાજ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કોઈપણ પ્રકારના ગઠબંધનના અહેવાલોને નકાર્યા છે અને જણાવ્યું છે કે રાજકીય જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા જ કરવામાં આવશે. આ તમામ ઘટનાઓ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆતનો સંકેત આપી રહી છે, કારણ કે આ બે ભાઈઓનું એક થવું મરાઠી વોટ બેંકને એક કરી શકે છે અને આગામી ચૂંટણીઓમાં રાજકીય સમીકરણોને બદલી શકે છે.
આ પણ વાંચો : ….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો