બબ્બે હોસ્પિટલે લીવરની બીમારી કારણભૂત ગણાવી હતી! : પોરબંદરના યુવાનનાં મોતનું કારણ ઘાતકી હુમલોઃ લાકડાંની બારીના ટુકડો ફટકારી હત્યા કર્યા અંગે આરોપી સામે ખૂનનો ગુનો
પોરબંદર, : પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક બે મહિના પહેલા યુવાનનું શંકાસ્પદ મોત થયું હતું અને જે તે સમયે સરકારી ભાવસિંહજી હોસ્પિટલના તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે લીવરની બીમારીથી મોત થયું છે. આમ છતાં તેનું જામનગર ખાતે પીએમ કરવામાં આવતા અને સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવતા અંતે બે મહિના પછી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છાયા ચોકી નજીક ભારતીય વિદ્યાલય પાસે રહેતા રાકેશ કિશોરભાઈ વિઠલાણી નામના 42 વર્ષના યુવાન ભુતનાથ મંદિર પાસે અર્ધ બેભાન હાલતમાં પડયો હોવાની જાણ એક રિક્ષા ચાલકે કરતા રાકેશના બે ભાઇઓ હિરેન અને પ્રિતેશ બંને તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને જોયું તો તેઓનો ભાઈ રાકેશ ભુતનાથ મંદિર પાસે અર્ધ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. આથી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ઇમર્જન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તેનું મોત નિપજતા યુવાનનું લીવરની બીમારીના કારણે મોત થયાનું હોસ્પિટલના તંત્રએ પોલીસમાં જાહેર કર્યું હતું. આ બનાવ વખતે મૃતક રાકેશના માતા દક્ષાબેન વિઠલાણીએ પોતાના પુત્રની હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ પોલીસે ધ્યાન આપ્યું ન હતું.
મૃતકને દારૂ પીવાની ટેવને કારણે લીવરની તકલીફ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે એક વર્ષથી દવા ચાલતી હતી આથી મોત કયા કારણોસર થયું? તે જાણવા માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવ્યું હતું. ત્યાંની પીએમ નોટમાં પણ ડોક્ટરે મૃતક રાકેશનું મોત પેટના અંદરના ભાગે ગંભીર ઈજા થવાથી નીપજ્યાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. યુવાનના મોત બાબતે શંકા જતા તેના ભાઇ હિરેન કિશોરભાઈ વિઠલાણીએ પોતાની રીતે તપાસ કરતા રાકેશને છાયાના પાટા પાસે રહેતા પરેશ ઉર્ફે લાંબો પરબત ગરચર સાથે બોલાચાલી થઈ હતી અને તેણે જ બારીના ટુકડાથી માર મારતા મોત થયું છે તેમ જણાવીને હિરેને હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.