દૈનિક જીવનમાં વપરાતી ચીજોની સંસ્કૃતમાં ઓળખ અપાશે : ચશ્મા અર્થાત ઉપનેત્રમઃ સંસ્કૃત ભવનમાં આજથી દેવભાષા પ્રદર્શની
રાજકોટ, : સંસ્કૃતને દેવભાષા ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર – પ્રસારમાં સંસ્કૃત ભાષાનું મહત્વ સર્વાધિક રહ્યું છે. આ ભાષાને લોકભોગ્ય બનાવવા માટે યુનિ.ના સંસ્કૃત ભવનમાં તા. 5થી તા. 12 દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે આવતીકાલ તા.૫નાં સંસ્કૃત પ્રદર્શનીનું ઉદઘાટન કુલપતિના હસ્તે કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ.ના સંસ્કૃત ભવનમાં આયોજિત કાર્યક્રમ સંદર્ભે ભવનના વડા પ્રો. કાથડે જણાવ્યું હતું કે, દૈનિક જીવન વ્યવહારમાં આપણે ગુજરાતી ભાષા જે બોલીએ છીએ તેના સંસ્કૃત પારીભાષિક શબ્દો કયા હોય શકે, તેની જાણકારી માટે સંસ્કૃત પ્રાદર્શની યોજવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ચશ્માને સંસ્કૃતમાં ઉપનેત્રમ, પેનને લેખિની અને ચાવીને કુંચિકા કહેવામાં આવે છે. આ શબ્દો સાથે વસ્તુનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
તા. 6 ઓગ.ના સંસ્કૃત ભારતીના ઉપક્રમે રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી છે. જેમાં સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાશે. રૈયા રોડથી જિલ્લા પંચાયતના માર્ગ સુધી આયોજિત સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન જિલ્લા વહીવટીતંત્રના આયોજન હેઠળ કરવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃત ભાષાના ગીતો ગરબા શ્લોક વગેરે રજૂ થશે. ઉપરાંત સંસ્કૃત પરિચય વર્ગ, સંસ્કૃત ગીત, સંસ્કૃત ગરબા, સંસ્કૃત નાટક, સંસ્કૃત શાસ્ત્ર પરિચય વિગેરે યોજવામાં આવશે.