જ્યોતિર્લિંગમાં રૂદ્રાક્ષનો દિવ્ય શ્રૂંગાર અને સવાલાખ બિલ્વપત્રથી પૂજા, : આજે એક દિવસમાં 67 ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ યોજાયા : મંદિરો ઉપરાંત ઘરે ઘરે ભોળાનાથની પૂજાથી ભક્તિનો માહોલ
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ આજે બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું.
શ્રાવણ માસમાં સરવડાં સિવાય વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી. ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક,પૂજન, મંત્રજાપ, રૂદ્રીપાઠ તેમજ લાખો લોકોના ઘરે ઘરે પણ શિવલિંગની પૂજા-જાપથી ભક્તિમય માહૌલ છવાયો છે. સોમનાથમાં આજે એક દિવસમાં 67 ધ્વજાપૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રૂદ્રીપાઠ યોજાયા હતા. પાલખી યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. સાંજે મહાદેવને રૂદ્રાક્ષનો વિશેષ શ્રૂંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવને પ્રિય વસ્તુઓમાં બિલ્વપત્ર, ભસ્મ, રૂદ્રાક્ષ, ધતુરાનું ફૂલ, ગંગાજળ વગેરેથી ભોળાનાથને તમામ શિવમંદિરોમાં કરાયેલા શણગારના દર્શન માટે લોકોની સવારથી કતારો જોવા મળી હતી.