– રામ રહીમના વારંવાર જેલમાંથી છૂટવાને કારણે વિવાદ
– હત્યાના પણ દોષિત બાબા આશ્રમમાં ભક્તોને પ્રવચન આપશે, 15મી ઓગસ્ટે પોતાનો જન્મ દિવસ ઉજવશે
રોહતક : બળાત્કાર અને હત્યાના દોષિત ગુરમીત રામ રહીમને ફરી એક વખત પેરોલ પર છોડવામાં આવ્યો છે. ગુરમીત રામ રહીમ ૧૪મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. તેને ૪૦ દિવસના પેરોલ મળ્યા છે. તે જેલમાંથી છૂટતા જ સિરસા ડેરા પર જવા માટે રવાના થઇ ગયો હતો. ૧૫મી ઓગસ્ટે ગુરમીતનો જન્મ દિવસ પણ છે જેની હવે તે ઉજવણી કરશે.
બે સાધ્વીઓ પર બળાત્કાર કરવા બદલ ગુરમીત રામ રહીમને વર્ષ ૨૦૧૭માં ૨૦ વર્ષની કેદની સજા થઇ હતી. જ્યારે પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યાના મામલામાં પણ તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. ૨૦૦૨માં મેનેજર રંજીતસિંહની હત્યાના કેસમાં પણ દોષિત ઠેરવાયો હતો. હત્યા અને બળાત્કારના કેસમાં દોષિત ગુરમીતને વારંવાર પેરોલ પર જેલમાંથી છોડવામાં આવી રહ્યો છે જેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુરમીત જેલમાં ગયો તે બાદથી અત્યાર સુધી તેને ૧૪ વખત પેરોલ મળી ચુક્યા છે. હરિયાણામાં મોટી વોટબેન્ક ધરાવતો ગુરમીત વારંવાર પેરોલ મેળવી લેવામાં કેમ સફળ રહે છે તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ઓક્ટોબર ૨૦૨૦માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુરમીતને ૪૦ દિવસના પેરોલ મળ્યા હતા, બાદમાં ફેબુ્રઆરી ૨૦૨૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ૨૧ દિવસના ફરલો પર છુટયો હતો, બાદમાં જૂન ૨૦૨૨માં હરિયાણામાં સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન એક મહિનાના પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેવી જ રીતે ઓક્ટોબર ૨૦૨૨માં હરિયાણામાં પેટા ચૂંટણી સમયે ૪૦ દિવસ છૂટયો હતો.
બાદમાં જાન્યુઆરી ૨૦૨૩માં ૪૦ દિવસ, જુલાઇ ૨૦૨૩માં ૩૦ દિવસ, નવેમ્બર ૨૦૨૩માં ૨૧ દિવસ, જાન્યુઆરી ૨૦૨૪માં ૬૦ દિવસ, એ જ વર્ષે સપ્ટેમ્બરમાં ૨૧ દિવસ જ્યારે આ વર્ષે એપ્રીલ મહિનામાં ૨૧ દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો હતો. બળાત્કારી ગુરમીત છેલ્લા ચાર વર્ષમાં ૧૪ વખત જેલમાંથી બહાર આવી ચુક્યો છે.