વડોદરા, તા.5 કરજણ પાસેના એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપાયેલા દારૃના કેસ તેમજ રૃા.૧૫ લાખના તોડકાંડમાં લાંચ રુશ્વતની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે આ સાથે જ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સાંપા ગામની સીમમાંથી એક ટેન્કરમાં દારૃનો મોટો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરે રૃા.૧૫ લાખનો તોડ કર્યો હોવાનો પર્દાફાશ થતાં સમગ્ર રાજ્ય પોલીસબેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના તેમજ તોડકાંડના ગુનામાં સાજણ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પૂરા થતાં હાલ તે જેલમાં છે.
બીજી બાજુ સાજણ આહિરે લાંચ લીધી હોવાનું તેમજ તેની અપ્રમાણસર મિલકતો અંગેની તપાસ માટે જિલ્લા પોલીસે કોર્ટ પાસેથી એસીબીની કલમનો ઉમેરો કરવાની માંગણી કરવામાં આવતા કોર્ટે મંજૂરી આપી દીધી છે આ સાથે જ ગુનામાં એસીબીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. એસીબીની તપાસ સાથે જ આ ગુનાની તપાસ હવે ડભોઇ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. આ કેસમાં સૌપ્રથમ પીએસઆઇ અને બાદમાં પીઆઇને તપાસ સોંપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના ગેંગસ્ટર તેમજ દારૃના સપ્લાયર અનિલ પાંડીયાની રાજસ્થાનમાં મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. આ ગુનામાં રચાયેલી સિટની ટીમો હજી પણ અન્ય રાજ્યમાંથી પરત ફરી નથી જેથી ટીમો પરત ફર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેને ગાંધીનગર ગૃહખાતાને મોકલાશે. બીજી બાજુ અનિલ પાંડીયાનો એક બાતમીદાર વિદેશ ભાગી ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે જેની પણ પોલીસ દ્વારા તપાસ હ ાથ ધરવામાં આવી છે.