US Tariffs on Semiconductor Chips: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે તેઓ કમ્પ્યુટર ચીપ્સ અને સેમિકન્ડક્ટરની આયાત પર 100% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. આ પગલાથી અમેરિકામાં ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, હોમ એપ્લાયન્સિસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. જોકે, ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકામાં કમ્પ્યુટર ચીપ્સ બનાવતી કંપનીઓને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે કે, તેમને આ વસ્તુઓની આયાત પર રાહત મળશે.
ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એપલના સીઈઓ ટિમ કૂક સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ‘અમે કમ્પ્યુટર ચીપ્સ અને સેમિકન્ડક્ટર પર લગભગ 100 ટકા ટેરિફ લાદીશું, પરંતુ જો તમે આ બધું અમેરિકાની અંદર બનાવી રહ્યા છો, તો કોઈ ટેક્સ નહીં લાગે.’ ટ્રમ્પ દ્વારા આ જાહેરાત રશિયામાંથી ક્રૂડ ખરીદવા માટે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યા પછી કરવામાં આવી છે. ગઈકાલે જ ટ્રમ્પે રશિયામાંથી ક્રૂડ આયાત કરવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આનાથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આ ટેરિફ 21 દિવસ પછી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે ભારત અને રશિયા બંને પાસે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે આયાત ટેક્સ પર વાટાઘાટો કરવાનો સમય છે.
આ પણ વાંચોઃ ભારત પર 50 ટકા ટેરિફ બાદ મોંઘા થઈ જશે iPhone? જાણો શું છે એપલની તૈયારી
અમેરિકન ગ્રાહકો પર તેની શું અસર પડશે?
ટ્રમ્પની 100 ટકા ટેરિફની જાહેરાત હવે અમેરિકન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. જો ટ્રમ્પ કમ્પ્યુટર ચીપ્સ અને સેમિકન્ડક્ટર પર 100 ટકા ડ્યુટી લાદે છે, તો તેના કારણે મોબાઇલ ફોન, કાર, ટીવી, રેફ્રિજરેટર અને અન્ય ડિજિટલ ઉપકરણો મોંઘા થશે, કારણ કે આ ઉપકરણો બનાવતી કંપનીઓનો ખર્ચ વધશે અને નફો ઘટશે.
ચીપ્સની માંગ ઝડપથી વધી
કોરોના મહામારી દરમિયાન, સમગ્ર વિશ્વમાં ચીપ્સની ભારે અછત હતી. આ કારણે, તે સમયે વાહનોના ભાવમાં ઘણો વધારો થયો હતો અને ફુગાવો પણ વધ્યો હતો. હવે ટ્રમ્પના આ નવા નિર્ણયથી ફરીથી આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આજના યુગમાં, ચીપ્સની માંગ ઝડપથી વધી રહી છે કારણ કે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કાર, ઘરગથ્થુ ગેજેટ્સ અને AI જેવા ક્ષેત્રો સંપૂર્ણપણે ચીપ્સ પર નિર્ભર છે. વર્લ્ડ સેમિકન્ડક્ટર ટ્રેડ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વભરમાં કમ્પ્યુટર ચીપ્સની માંગ વધી રહી છે. જૂનમાં પૂરા થયેલા વર્ષમાં તેના વેચાણમાં 19.6%નો વધારો થયો છે.
ચીન સહિત ત્રણ એશિયન દેશો પર આફત?
વેપાર આંકડા અનુસાર, અમેરિકાએ 2024 માં લગભગ 46.3 અબજ ડોલરના સેમિકન્ડક્ટરની આયાત કરી હતી, જે દેશની કુલ 3.35 લાખ કરોડ ડોલરના માલની આયાતના લગભગ 1% છે. આ આંકડા દર્શાવે છે કે આયાતી ચીપ્સ યુએસ અર્થતંત્ર માટે કેટલી મહત્વપૂર્ણ છે. હકીકતમાં, ચીપ્સની આયાત પર 100% ટેરિફ લાદી ટ્રમ્પ વિદેશી ચીપ્સ ખાસ કરીને એશિયામાંથી આવતી ચીપ્સ પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. હાલમાં વિશ્વની 70% થી વધુ ચીપ્સ તાઇવાન, દક્ષિણ કોરિયા અને ચીનમાં બને છે. 100 ટકા ટેરિફના પગલા સાથે ટ્રમ્પ અમેરિકાને આ બાબતમાં આત્મનિર્ભર બનાવવા માંગે છે, જેથી ચીન સહિત આ ત્રણ દેશોનું માર્કેટ તૂટી શકે છે.