Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે (7 ઓગસ્ટ) અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં આંતરિક તપાસ રિપોર્ટને પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સાથે જ ભારતના તત્કાલિન ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને જસ્ટિસ વર્માને દૂર કરવાની ભલામણ કરી હતી.
કોર્ટે ફગાવી અરજી
નોંધનીય છે કે, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એ. જી મસીહની ખંડપીઠે 30 જુલાઈએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે, ગુરૂવારે પોતાનો નિર્ણય સંભળાવતા તેમણે જસ્ટિસ વર્માની અરજીને ફગાવી દીધી છે.
આ પણ વાંચોઃ ગરીબી આવુ કરવા મજબૂર કરે છે… સુપ્રીમ કોર્ટે કઈ અમાનવીય પ્રથા સામે અવાજ ઊઠાવ્યો
પોતાનો નિર્ણય સંભળવાતા ખંડપીઠે કહ્યું કે, આંતરિક તપાસમાં ભાગ લેતા દરમિયાન જસ્ટિસ વર્માના આચરણ અને બાદમાં તપાસ કરનારી પેનલની ક્ષમતા પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોને ધ્યાને લઈને આ અરજી પર વિચાર ન કરી શકાય. તેથી આ રિટ અરજી પર વિચાર કરવામાં નહીં આવે.
શું હતી ઘટના?
જણાવી દઈએ કે માર્ચ 2025 માં, જ્યારે જસ્ટિસ યશવંત વર્મા દિલ્હી હાઈકોર્ટમાં હતા, ત્યારે તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં આગ લાગી હતી. આ દરમિયાન મોટી માત્રામાં તેમના ઘરેથી અડધી બળી ગયેલી રોકડ મળી આવી હતી. ભારતના તત્કાલિન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશોની એક આંતરિક સમિતિની રચના કરી હતી. તપાસ બાદ, સમિતિએ જસ્ટિસ વર્માને ગંભીર ગેરરીતિઓમાં દોષિત ઠેરવ્યા હતા. આ અહેવાલના આધારે, ચીફ જસ્ટિસે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને જસ્ટિસ વર્માને દૂર કરવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ, સંસદમાં તેમના વિરુદ્ધ મહાભિયોગની તૈયારીઓ શરૂ થઈ ગઈ.
બંધારણીય માન્યતા પર પ્રશ્ન
ત્યારબાદ જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી અને ઇન-હાઉસ પ્રક્રિયાની બંધારણીય માન્યતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃ ‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન
સુપ્રીમ કોર્ટનો યશવંત વર્માને સવાલ
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અરજી પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખંડપીઠે કહ્યું, “જો તમને લાગતું હતું કે આ પ્રક્રિયા પોતે જ ગેરકાયદેસર છે, તો તમે તપાસમાં શા માટે ભાગ લીધો? શું તમે તેને તાત્કાલિક પડકારી શક્યા ન હતા? તમારા પગલાથી લાગે છે કે તમે આશાના આધારે રાહ જોઈ હતી.”
કોર્ટે એમ પણ કહ્યું કે ચીફ જસ્ટિસનું કાર્યાલય ફક્ત પોસ્ટ ઓફિસ નથી. આવા આરોપો લાગ્યા પછી રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને જાણ કરવાની જવાબદારી ચીફ ન્યાયાધીશની છે.