વડોદરાઃ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ગઠિયાઓ દ્વારા મહિલાનો અછોડો લૂંટવાનો વધુ એક બનાવ બન્યો છે.
દિવાળીપુરાના બાલાજી ગોલ્ડ ખાતે રહેતા ચંદ્રિકાબેન પેન્ટરે પોલીસને કહ્યું છે કે,હું મારી પુત્રી સાથે આજે સવારે દવાખાને ગઇ હતી અને ત્યાંથી ૧૦.૩૦ વાગે ઘેર જવા માટે રિક્ષામાં બેઠા હતા.
રિક્ષામાં અગાઉથી મહિલા સહિત ચાર પેસેન્જર હતા.અમને પાછળ બેસાડવામાં આવ્યા હતા.રિક્ષા દિવાળીપુરાથી આગળ કોર્ટ તરફ લેતાં મેં વાંધો લીધો હતો અને અમારે દિવાળીપુરા ઉતરવાનું હતું તેમ કહ્યું હતું.
જેથી રિક્ષા ચાલકે અમને કોર્ટ પાસે ઉતારી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. મેં મારા ગળા પર હાથ ફેરવતાં સવા બે તોલાનો અછોડો (રૃ.૮૦ હજાર)ગાયબ હતો. જેથી અકોટા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.