વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાયલી અર્બન યોજનામાં દુકાન અપાવાના નામે એક મહિલાએ તેની બહેનપણી સહિત ત્રણ જણા પાસે રૃ.૯.૭૯ લાખની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ થઇ છે.
ગોત્રીમાં લાઇફ અરેના ખાતે રહેતા હેતલબેન મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૯મી માર્ચે મારી જૂની બહેનપણી મિત્તલ સાધુ તેની માતા સાથે મને મળવા આવી હતી અને સરકારમાં સારી ઓળખાણ છે,પીએમ આવાસના મકાન-દુકાન જોઇએ તો કહેજો તેમ કહી પાન કાર્ડ આધારકાર્ડ અને વાહનોના ઇન્સ્યોરન્સના કામો કરતી હોવાનું કહ્યું હતું.
ત્યારબાદ તેણે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ વાતો કરી હતી.ભાયલીમાં પીએમ આવાસ યોજનામાં એક દુકાન બતાવી મારી પાસે રૃ.૬ લાખ લીધા હતા.આવી જ રીતે મારા જેઠાણી પાસે રૃ.૧.૪૯ હજાર લીધા હતા પરંતુ હજી તેમને રૃ.૩૯૭૦૦ પાછા આપ્યા નથી.
મહિલાએ કહ્યું છે કે,મારા નણદોઇને પણ બીજી એક દુકાન બતાવી રૃ.૧.૭૦લાખ લીધા હતા.પરંતુ ત્યારબાદ તેણે રસીદ આપી નહતી અને વારંવાર બહાના બતાવી જેને રૃપિયા આપ્યા છે તે ભાગી ગયો છે તેવા જવાબ આપ્યા હતા.મિત્તલે તેનો ફોન પણ બંધ કરી દીધો હતો અને ઘરને તાળું મારી ફરાર થઇ ગઇ છે.જેથી ગોત્રી પોલીસે મિત્તલ કાર્તિકસ્વામી સાધુ(શિવાલય હાઇટ્સ,ગોત્રી) સામે ગુનો નોંધ્યો છે.
મિત્તલે બે મહિનામાં ૧.૩૯લાખનો નફો કરાવી વિશ્વાસમાં લીધા
મિત્તલે તેની બહેનપણીને ઠગવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારો એવો ફાયદો કરાવી આપશે તેવી બાંયધરી આપી હતી.જેથી હેતલબેને ટુકડે ટુકડે રૃ.૩.૮૯ લાખ આપ્યા હતા.જેની સામે મિત્તલે બે મહિનામાં જ રૃ.૫.૨૮લાખ પરત કર્યા હતા.આમ સારો એવો ફાયદો કરાવી મિત્તલે રૃ.૬ લાખ પડાવી લીધા હતા.
યોજનાનો છેલ્લો દિવસ છે,કાલે ચાવી મળી જશે..મિત્તલે ભરૃચના મહિલા પ્રોફેસરને પણ ૯૫૦૦૦નો ચૂનો ચોપડયો
સરકારી આવાસ યોજનાને નામે અનેક લોકોને ઠગનાર મિત્તલ સાધુએ ભરૃચના એક મહિલા પ્રોફેસરને પણ ૯૫ હજારનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
પોલીસના કહ્યા પ્રમાણે,મહિલા પ્રોફેસરના કુટુંબી સાથે વાતચીત કરનાર મિત્તલે પોતે કોર્પોરેશનમાં નોકરી કરતી હોવાની વિગતો જણાવી હતી અને સ્કીમનો છેલ્લો દિવસ છે.પૈસા ભરીદો એટલે કાલે ચાવી મળી જશે તેમ કહી ૯૫ હજાર ભરાવ્યા હતા.
તેણે વડોદરાના બિલ ખાતે આવાસ પાસે લઇ જઇ એમ પણ કહ્યું હતું કે,જો પહેલા માળે મકાન જોઇએ તો ઇ ટાવર અને ત્રીજા માળે જોઇએ તો સી ટાવરમાં મળશે.આ વખતે ઇ ટાવરનું મકાન નક્કી કરનાર વ્યક્તિએ વીડિયો ઉતાર્યો ત્યારે ઇ ટાવરના મકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું.