પાટનગરમાં જ સરકારના દાવા પોકળ સાબિત થયા
શાળાના મકાનને જર્જરિત જાહેર કરી દેવાયું પણ બાળકો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નહીં
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારના દાવાઓ પોકળ સાબિત
થયા છે અને સેક્ટર ૨૦ની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા માટે
મજબૂર બન્યા છે. શાળાના મકાનના જર્જરિત જાહેર કરી દેવામાં આવી છે પરંતુ બાળકો માટે
કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.
રાજ્યનુ પાટનગર હોવાં છતાં ગાંધીનગરમાં પણ સરકારી વહીવટમાં
ભરપૂર અંધેર પ્રવર્તે છે. તેનુ તાજું ઉદાહરણ એ છે કે શહેરની સેક્ટર-૨૦ સરકારી
પ્રાથમિક શાળાની ઈમારતને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભયજનક જાહેર કરી દેવામાં આવી
છે. શાળાને ભયજનક જાહેર કરવામાં આવી હોવાથી ૨૦૦થી વધુ વિધાર્થીઓ અત્યારે ઝાડ નીચે
તેમજ શાળાના પ્રાર્થના માટે બનાવાયેલ શેડ નીચે અભ્યાસ કરે છે. આ કારણે વિદ્યાર્થીઓ
તડકામાં શેકાય છે, જમીન પર
બેસવાને કારણે જીવજંતુઓ કરડે છે.વાલીઓમાં પણ કચવાટ અને અસંતોષ છે. રાજસ્થાનમાં
શાળાની છત પડવાને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે.
પરંતુ તેમાં પાડાને વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સેક્ટર ૨૦ સરકારી પ્રાથમિક શાળાનાં સમગ્ર
બિલ્ડિંગને ભયજનક જાહેર કર્યું છે પરંતુ શાળાની જમણી તરફના ત્રણ ઓરડા એવા છે જેનું
ઇજનેરો દ્વારા પુનથ મૂલ્યાંકન કરવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી
તેનો ઉપયોગમાં લઈ શકાય એમ છે.જો આ ઓરડાઓનું ઇજનેરી નિયમ અનુસાર પુનઃ મૂલ્યાંકન
કરવામાં આવે, ભયજનક
ઓરડાઓ તરફનો ભાગ સીલ કરીને બાકીના લાયક ઓરડાઓ ઉપયોગમાં લઈને શાળામાં બે પાળી કરી
દેવામાં આવે. અત્યારે સેક્ટર ૨૦ પ્રાથમિક શાળા પરિસર ખાતે નવી પ્રાથમિક શાળા બની
રહી છે .તે સંજોગોમાં બે-ચાર મહિના માટે શાળાને અને વિધાર્થીઓને અગવડ ન પડે તે
હેતુથી શાળાના બાળકોના હિત માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવું વાલીઓ અને
વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. જો આ બિલ્ડીંગ જર્જરિત અવસ્થામાં હતું તો છ મહિના અગાઉ
જ દસ લાખ રૃપિયાના ખર્ચે શાળામાં ફાયર સેફટી પણ ઊભી કરવામાં આવી છે તે પણ એક
તપાસનો વિષય બની જાય તેમ છે.