વડોદરા-વાસદ હાઇવે પર આવેલી “ઘડિયાળી બાવા” ની દરગાહમાં બેકાબુ આયશર ટેમ્પો ઘુસી જતા દરગાહના શેડને નુકસાન પહોંચ્યું હતું.
વડોદરા-વાસદ હાઇવે પર નંદેસરી નજીક આવેલી હજરત બાલાપીર બાવાની દરગાહ, જેને લોકો “ઘડિયાળી બાવા” તરીકે ઓળખે છે, આજે અમદાવાદ પાર્સિંગનો આયશર ટેમ્પો દરગાહ પાસેથી પસાર થતો હતો ત્યારે તેના ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો. અને ટેમ્પો સીધો જ દરગાહ સાથે ધડાકાભેર ભટકાયો હતો. ઘટનામાં સદ્નનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ દરગાહનો શેડ તૂટી જવાથી નુકસાન થયું હતું. આ અકસ્માત પછી ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. શ્રદ્ધાળુઓની આસ્થા કેન્દ્ર બનેલી આ દરગાહ પર માનતા પૂરી થાય ત્યારે લોકો ઘડિયાળ ચઢાવતા હોય છે.