વડોદરાઃ વડોદરા શહેરમાં રોડ એક્સિડન્ટના બનાવોમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી ટ્રાફિક ઝુંબેશની અસર દેખાઇ રહી છે અને આ ઝુંબેશને સ્કૂલ લેવલથી જ વધુ અસરકારક બનાવવા પોલીસ કામે લાગી છે.
શહેરમાં ટ્રાફિક અંગે જાગૃતિના કાર્યક્રમો નિરંતર ચાલી રહ્યા છે.જેને કારણે લોકોમાં જાગૃતિ વધી રહી છે અને માર્ગ અકસ્માતના બનાવોમાં છેલ્લા અઢી વર્ષના ગાળામાં સતત ઘટાડો જોવાઇ રહ્યો છે.પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ ઝુંબેશ ચાલુ રાખી વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો પાળવાના શપથ લેવડાવવા અને તેઓ વાલીઓને પણ સમજાવશે તેવી ફરજ પાડવા તાકિદ કરી છે.
આંકડાકીય માહિતી જોતાં વર્ષ-૨૦૨૩માં કુલ અકસ્માતના બનાવ ૫૬૬ બન્યા હતા અને તેમાં ૧૯૯ના મોત નીપજ્યા હતા.જેમાં ફેટલ એક્સિડન્ટ ૧૮૭ હતા.
વર્ષ-૨૦૨૪માં કુલ અકસ્માતોની સંખ્યા ઘટીને ૫૬૬ થઇ હતી.જેમાં કુલ મૃત્યુઆંકમાં ૧૬ નો ઘટાડો થતાં મૃતકોની સંખ્યા ૧૮૩ થઇ હતી.મરનારમાં ફેટલ એક્સિડન્ટ ૧૭૫ થતાં ૧૨ નો ઘટાડો થયો હતો.
આવી જ રીતે વર્ષ-૨૦૨૪ અને વર્ષ-૨૦૨૫ના શરૃઆતના છ મહિનાના ગાળાની સરખામણીમાં ૧૦ ટકા કેસો ઘટયા છે.જેથી હવે આ ઘટાડો જારી રહે તેના પર ભાર આપવામાં આવી રહ્યો છે.
આંકડાકીય રીતે જોતાં વર્ષ-૨૦૨૪ના છ મહિનાના ગાળામાં શહેરમાં અકસ્માતના કુલ બનાવ ૨૮૭ નોંધાયા હતા.જેમાં કુલ ૯૧ ના મૃત્યુ થયા હતા અને ૧૫૯ને ઇજાઓ પહોંચી હતી.આ બનાવોમાં ફેટલના બનાવ ૮૪ હતા.
વર્ષ-૨૦૨૫માં કુલ અકસ્માતના બનાવો ઘટીને ૨૫૮ થયા છે.જેમાં કુલ મૃત્યુ ૮૧ થયા છે અને ઇજાગ્રસ્તો ૧૩૬ થયા છે.જેથી ૧૦ ટકા જેટલા કેસો ઘટતાં પોલીસ ફરજીયાત હેલમેટ જેવા નિયમો લાગુ કરનાર છે.
રોડ એક્સિડન્ટના વર્ષ-2024 અને વર્ષ-2025ના 6 મહિનાના ગાળાના આંકડા
અકસ્માતનો પ્રકાર વર્ષ-૨૦૨૪ વર્ષ-૨૦૨૫
કુલ અકસ્માત ૨૮૭ ૨૫૮
કુલ મૃત્યુ ૯૧ ૮૧
કુલ ઇજા ૧૫૯ ૧૩૬
ફેટલ ૮૪ ૭૯
મંગળબજારમાંથી સિટી બસ અને વાહનો કોઇ પસાર કરાવી શક્યું નથી
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સાંજે બે કલાક માટે રિક્ષા માટે નો એન્ટ્રીનો નિર્ણય સફળ રહ્યો છે.
વર્ષ-૨૦૧૩ના પ્રારંભમાં વડોદરા શહેર પોલીસના તત્કાલીન કમિશનર સતિષ શર્માએ ચાર દરવાજાને ધ્વનિ મુક્ત અને ટ્રાફિક ની સરળતા રહે તે માટે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વચ્ચે રિક્ષાઓ માટે અવરજવર બંધ કરાવી હતી.જે નિર્ણય ત્યારપછીના દરેક કમિશનરે ચાલુ રાખ્યો છે.
જો કે દબાણોથી ભરપુર એવા મંગળ બજારમાંથી સિટી બસ અને વાહનવ્યવહાર ચાલુ કરાવવાના અનેક વખત પ્રયાસ થયા છે.પરંતુ તેને સફળતા મળી નથી.થોડા જ સમયમાં લારી-ગલ્લા અને પથારાને કારણે ટ્રાફિક બંધ થઇ જાય છે.
વારંવાર અકસ્માત થતા હોય તેવા આઠ બ્લેક સ્પોટ પર પસાર થતાં ચેતવું
ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનર જ્યોતિ પટેલે કહ્યું હતું કે,શહેરમાં આઠ બ્લેક સ્પોટ એવા છે જ્યાં વારંવાર ગંભીર અકસ્માતો થયા છે.જેથી આવા બ્લેક સ્પોટ પર તકેદારી રાખવી જરૃરી છે.આ બ્લેકસ્પોટ આ મુજબ છે.
– જામ્બુવા બ્રિજ
– એપીએમસી માર્કેટ,સયાજીપુરા
– દેણા ચોકડી
– પાંજરાપોળ,એરફોર્સ બ્રિજ
– અકોટા બ્રિજ
– ડભોઇ ત્રણ રસ્તા
– કોટાલી બ્રિજ નો કટ
– ફતેગંજ અને પંડયા બ્રિજ વચ્ચેનો રોડ