– જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાય તેવી માંગણી
– પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વગર ભૂમાફિયાઓએ તળાવમાં ખોદકામ કર્યાની રજૂઆત બાદ કામ અટક્યું
નડિયાદ : ચકલાસીમાં આવેલા બાંધેલા તળાવમાંથી પૂર્વ મંજૂરી વગર ભૂમાફિયાઓ દ્વારા માટી ખનન કરી લઈ જવાઈ છે. તળાવમાં ઊંડું ખોદકામ કરી માટી કાઢી વેચી નાખ્યાનો આક્ષેપ કરાયો છે. ત્યારે ખાણ- ખનીજ વિભાગ સ્થળ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.
ઉનાળાની સિઝન શરૂ થઈ છે, તેવા સમયે ભૂમાફિયાઓએ માટી, રેતી અને અન્ય ખનીજની ગેરકાયદેસર ચોરી શરૂ કરી છે. ચકલાસીમાં બાંધેલા તળાવ આવેલું છે. સરકારી માલિકીનું આ બાંધેલા તળાવ હવે ભૂમાફિયાઓની નજરે ચઢયું છે. અત્રે કેટલાક ઈસમો દ્વારા જેસીબી અને અન્ય મશીનો ઉતારી અને ખોદકામ શરૂ કર્યું છે. આ તળાવમાંથી માટી કાઢી અને ભૂમાફિયાઓ દ્વારા વેચાણ કરી દેવાતી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા છે. ખાણ અને ખનીજ વિભાગ અને નગરપાલિકાની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર આ ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ કોણ કરી રહ્યુ છે, તેની જાણ સ્થાનિક નગરપાલિકા તંત્રને પણ નથી. જો કે, આ મામલે નાગરીકો દ્વારા રજૂઆત કર્યા બાદ હાલ આ સ્થળે ખોદકામ બંધ કરાવ્યું છે.
આ સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી અને ગેરકાયદે કરાયેલા ખોદકામની માપણી કરી અને જવાબદારોને કાયેદસરનો દંડ ફટકારવામાં આવે તેવી માંગણી વ્યાપી છે.
ખોદકામ કોણે કર્યું તે જાણ નથી, માટી સમૂહલગ્નમાં નખાય છે : પાલિકા પ્રમુખ
ચકલાસી નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ ધર્મેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, માટી ખોદકામ કોણ કરે છે, તે અમને જાણ નથી, પરંતુ આ માટી સમુહલગ્ન જે સ્થાને થવાના છે, ત્યાં નાખવામાં આવી છે.