મુંબઈ : અમેરિકામાં જુલાઈનો ફુગાવો નીચો રહેતા ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કપાત આવશે તેવી શકયતા વધી જતા અમેરિકન ડોલરમાં નબળાઈ આવી હતી જ્યારે સોનામાં ભાવને ટેકો મળ્યો હતો. ૧૫ ઓગસ્ટે ટ્રમ્પ તથા પુતિન મુલાકાતના શું પરિણામ આવે છે તેના પર પણ રોકાણકારોની નજર રહેલી છે.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં ભાવ ઊંચકાયા હતા. ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાએ ચીન પરને ટેરિફ ૯૦ દિવસ સુધી સ્થગિત કરતા ક્રુડ તેલના ભાવ મક્કમ રહ્યા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૦૯૭ બોલાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૯૯૬૯૬ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૫૨૭૫ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદીમાં રૂપિયા ૨૦૦૦ જેટલી ઊંચકાઈ હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૬૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સૌનુ ઔંસ દીઠ વધી ૩૩૬૦ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૬૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૪૧ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૩૨ ડોલર મુકાતુ હતું. ડોલર ઈન્ડેકસ નબળો પડતા ફન્ડોનું ગોલ્ડમાં બાઈંગ રહ્યું હતું. અમેરિકામાં જુલાઈનો ફુગાવો નબળો આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડવાની શકયતા વધી જતા ડોલર પર દબાણ આવ્યું હતું.
ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ૬૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૬ ડોલર કવોટ થતું હતું. અમેરિકાએ ચીનના માલસામાન પર વધારાની ટેરિફ ૯૦ દિવસ સ્થગિત રાખતા ચીન તરફથી માગ જળવાઈ રહેવાની અપેક્ષાએ ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી રહી છે.