જગમંદિરે દર્શનાર્થે દેશ-દેશાવરના હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઉમટશે : શનિવારે મધ્યરાત્રિએ શ્રીજીના જન્મોત્સવની આરતી : રવિવારે પારણાં ઉત્સવઃ શોભાયાત્રા, મટકી ફોડ સહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાશે
દ્વારકા, : ભગવાન દ્વારકાધિશની કર્મભૂમિ દ્વારિકામાં આગામી તા. 16 ઓગસ્ટના કૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થશે. રાત્રિના 12 વાગ્યે શ્રીજીના જન્મોત્સવ સાથે ‘નંદઘેર આનંદ ભયો’ના નાદ સર્વત્ર ગુજી ઉઠશે. દેશ-દેશાવરના હજારો શ્રદ્ધાળુ ભાવિકો જન્માષ્ટમી પર્વ નિમિતે દ્વારકાના દર્શનાર્થે આવતા હોવાથી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દ્વારકામાં ઠેર-ઠેર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દર વર્ષે દ્વારકામાં ભગવાન રણછોડરાયના દર્શનાર્થે સેંકડો ભાવિકો ઉમટે છે. મથુરા છોડીને ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ભારતદેશના પશ્ચિમ છેવેડા સમુદ્ર કિનારે આવીને દ્વારકાનગરી વસાવી હતી. હિન્દુ શાસ્ત્રોમાં ચારધામ પૈકીનું એક ધામ અને સપ્તપુરી પૈકીની એક પુરી દ્વારકા પુરી તરીકે પ્રસિદ્ધ ગણાય છે. જન્માષ્ટમી પર્વ નિમિતે મંદિર વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ શ્રીજીને દિવ્ય શૃંગાર ચાંદીના ઝુલામાં શ્રીજીને ઝુલાવવામાં આવે છે. માખણ, લાપસી, પંજરી, ધૂપક વિગેરે પ્રસાદમાં વહેંેચાય છે. મહિલાઓ અને યુવાનો દ્વારા પરંપરાગત વેશભુષામાં રાસ-ગરબા નૃત્ય અને કિર્તન ઉપરાંત માખણ ચોરી અને દહીં-હાંડીની રમતમાં યુવાનો હોંશભર ભાગ લે છે. શોભાયાત્રા યોજવામાં આવે છે. મધ્યરાત્રિએ 12 વાગ્યે શ્રીજીના જન્મોત્સવ સાથે આરતી થશે. રાત્રિના 2.30 વાગ્યા સુધી જન્મોત્સવના દર્શન ખુલ્લા રહેશે. તા. 17 ઓગસ્ટને રવિવારે પારણા નોમ નિમિત્તે સવારે 7 વાગ્યે શૃંગાર આરતી 9 વાગ્યે, મધ્યાહન ભોગ 10 વાગ્યે, રાજભોગના દર્શન થશે. જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સમગ્ર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો ઉમટશે. દ્વારકા સહિતના આજુબાજુના ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુ ભાવિકોની ભીડ જામશે. ભગવાન શ્રીકૃષ્ણનો 5252 મો જન્મોત્સવ દેશના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.