Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે લગભગ 12:25 વાગ્યે વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ. ઘરો, લંગર સ્થળો અને વાહનો તણખલાની જેમ તણાઈ ગયાં. અત્યાર સુધી 46 મૃતદેહો મળી આવ્યા છે અને લગભગ 120 લોકો ઘાયલ થયા છે. જેઓ જીવતા બચ્યા છે તેઓ હજુ પણ આ ઘટનાને યાદ કરીને ડરી જાય છે. ત્યાં હજુ પણ લોકો ફસાયેલા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, પીડિતોની કેટલીક એવી આપવીતી સામે આવી છે, જેને સાંભળીને લોકો કંપી ઉઠ્યા.
બાળકને બચાવ્યો તો પત્ની ગુમ થઈ ગઈ
પીડિત રાકેશ શર્માએ જણાવ્યું કે, ‘અમે લંગરમાં પ્રસાદ ખાધો. અમે રસ્તો ક્રોસ કરવાના જ હતા કે અચાનક બૂમો સંભળાયી. અમે કાટમાળ પડતો જોયો. જ્યારે બધા ‘ભાગો ભાગો’ની બૂમો પાડવા લાગ્યા, ત્યારે અમે ભાગવાનો પ્રયાસ કર્યો એમાં મારું બાળક પડી ગયું, જેવું મેં તેને ઉપાડ્યું, કાટમાળ મારા પર આવી ગયો. હું દબાઈ ગયો. થોડીવાર પછી મને ભાન આવ્યું. બાળક મારી પાસે હતું, પણ પત્ની નહોતી મળી રહી. મેં ખૂબ શોધી, માતાજીને પણ પ્રાર્થના કરી પણ મારી પત્ની ન મળી. જ્યારે હું નિરાશ થઈને નીચે આવ્યો ત્યારે મને મારી પત્ની મળી.’ રાકેશે દાવો કર્યો કે કાટમાળમાં હજુ પણ ઓછામાં ઓછા 60-70 લોકો દટાયેલા હોઈ શકે છે.
પતિ, બાળકો સહિત પરિવારના 12 લોકો હજુ પણ ગુમ
આ કુદરતી દુર્ઘટનાનો ભોગ બનેલી પુતુલે જણાવ્યું કે, ‘અમે કુલ 14 લોકો આવ્યા હતા. માતા વૈષ્ણોદેવીની યાત્રાથી અમે 4 લોકો પાછા ફર્યા, જ્યારે બાકીના લોકો પાછળ હતા. કંઈ સમજાયું નહીં, થોડી જ સેકન્ડમાં આખો પહાડ અમારી સામે આવી ગયો. ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ. મારા પતિ અને બાળકો હજુ પણ ગુમ છે. હોસ્પિટલમાં પણ કોઈ મળી રહ્યું નથી. હું સતત તેમને શોધી રહી છું. અત્યારે અમે ફક્ત 2 લોકો જ સાથે છીએ.’
આ પણ વાંચો: કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન્યા
ચારેબાજુ ફક્ત મૃતદેહો જ મૃતદેહો
આપત્તિમાં ફસાયેલી એક પીડિતાએ જણાવ્યું કે ઘણા લોકો પાસે નાના બાળકો હતા. આફત બાદ તેઓ કાટમાળમાં ફસાઈ ગયા હતા. ઘણા બાળકોની ગરદન વળી ગઈ હતી તો ઘણાના પગ કપાઈ ગયા હતા. મારી આગળ-પાછળ બધે જ ફક્ત મૃતદેહો જ પડ્યા હતા. મારા પિતાએ ઘણા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. ઘણા બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.’