– જિલ્લામાં સિહોરમાં સવા, મહુવામાં એક, પાલિતાણા અને ઉમરાળામાં પોણો ઈંચ વરસાદ
– ઘોડાપુરથી મગલાણા પાસેનું નાળુ તૂટી જતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ, પાંચ ગામ સાથેનો સંપર્ક કપાયો, ઉમરાળામાં શિવાલયના શિખર પર વીજળી પડી, કોઈ નુકસાન નહીં
સિહોર, ઉમરાળા : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સિહોરમાં સવા, મહુવામાં એક, પાલિતાણા અને ઉમરાળામાં પોણો ઈંચ મેઘકૃપા થઈ હતી. જન્માષ્ટમીના અવસરે આવી પહોંચેલી આ મેઘ સવારીના પગલે સિહોરનું ગૌતમેશ્વર તળાવ બીજી વખત ઓવરફ્લો થયું હતું.
ગઈ કાલ તા. ૧૬ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન સિહોરમાં ૧૭, પાલિતાણામાં ૧૬ અને મહુવામાં ૨૩ મિ.મી. વરસાદ વરસ્યો હતો. તો સાંજે ૬થી ૮ દરમિયાન સિહોરમાં ૧૧ મિ.મી. અને ઉમરાળામાં ૧૨ મિ.મી. તથા રાત્રે ૮થી ૧૦માં ઉમરાળામાં વધુ ૬ મિ.મી. પાણી પડયું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન જિલ્લામાં ઝાપટાં વરસ્યા હતા. જેમાં ભાવનગરમાં ૩, ઘોઘામાં ૨, સિહોરમાં ૨, મહુવામાં ૩ અને પાલિતાણામાં ૧ મિ.મી. વરસાદનો સમાવેશ થાય છે.
વરસાદના આ નવીનતમ રાઉન્ડ સાથે ગૌતમી નદીમાં પુર આવતા ભાવનગર-રાજકોટ નેશનલ હાઈ-વે પર સિહોરમાં એ-વનના પુલ પરથી પાણીનો પ્રવાહ ફરી વળતા સિહોર પોલીસે તકેદારીના ભાગરૂપે પાણીનો પ્રવાહ ન ઓસરે ત્યાં સુધી બન્ને સાઈડના વાહનો ની અવરજવર બંધ કરી દીધો હતો. પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર શરૂ થયો હતો.
ઘોડાપુર આવતા મગલાણા પાસેનું નાળુ તૂટી જતાં માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો હતો. આ વિસ્તારમાં અગાઉ પણ ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી. તંત્ર દ્વારા સમયસર નાળાનું યોગ્ય રિપેરિંગ નહીં થતા નાળુ ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહિત પાંચ ગામ સાથે સંપર્ક કપાઈ ગયો હતો.
દરમિયાનમાં, ઉમરાળામાં આજે બપોરના સુમારે ઘટાટોપ વાદળો છવાયા બાદ અઢી વાગ્યા પછી ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. દરમિયાનમાં, કાળુભાર નદીના સામા કાંઠા પર સ્થિત શ્રી ધોળનાથ મહાદેવ મંદિરના શિવાલયના શિખર પર બપોરના ૨.૫૫ વાગ્યે પ્રચંડ કડાકા સાથે વીજળી ત્રાટકી હતી. જોકે, તેનાથી શિખરના એક ભાગ પર ઉભો કાળો લીસોટો પડવા સિવાય અન્ય કોઈ અસર થઈ નહોતી.