નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…ના ગગનભેદી નાદથી મંદિર પરિસર ગુંજ્યું
ભક્તિ અને ઉમંગ સાથે વ્હાલાંના વધામણાં કરી ભાવિકો ભાવવિભોરઃ મંદિરમાં રાત્રિના અઢી વાગ્યા સુધી દર્શનાર્થે ભારે ભીડ ઉમટતી રહી
દ્વારકા: જન્માષ્ટમી અને દ્વારકા બન્ને કૃષ્ણ ભક્તોના હૃદયમાં શાશ્વત સ્થાન ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પરપરમાં જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. જન્માષ્ટમીએ દ્વારકા ભાવિકોથી છલકાયું હતું. જગત મંદિરે દર્શનાર્થે લાઇનો લાગી હતી. જન્માષ્ટમીએ શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક કરાયો હતો. રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. ભક્તિ અને ઉમંગ સાથે વ્હાલાના વધામણાં કરી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. મંદિરમાં રાત્રે અઢી વાગ્યા સુધી દર્શનાર્થે ભાવિકોની ભીડ રહી હતી.
જન્માષ્ટમીએ યાત્રધામ દ્વારકા કૃષ્ણ ભક્તિના રંગે રંગાઇ ગયું હતું. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પરપરમા જન્મોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે. મથુરા છોડી ઠાકોરજીએ દ્વારકા નગરી વસાવી અહીંના રાજાધિરાજ બન્યા હતા. દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણીનું અનેરૂં મહત્વ છે. જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકામાં હજારો ભાવકો ઉમટતા જામપેક જેવી સ્થિતિ જોવા મળી હતી.
દ્વારકાધીશજી મંદિરે જન્માષ્ટમીએ સવારે મંગળા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરાવાયો હતો. અભિષેક બાદ શ્રીજીને વિવિધ પ્રકારના વસ્ત્રો, હીરા – મોતી જડિત સુવર્ણ આભૂષણોનો અદ્ભૂત શણગાર કરાયો હતો. દિવસ દરમિયાન શ્રીજીને સ્નાન ભોગ, શૃંગાર ભોગ, મધ્યાહન ભોગ, રાજભોગ સહિતના વિવિધ ભોગ અર્પણ કરાયા હતા. દિવસભર દર્શનાર્થે ભાવિકોની લાંબી – લાંબી લાઇનો રહી હતી. સાથે હજારો ભાવિકોએ ગોમતી સ્નાનનો પણ લાભ લીધો હતો. જગત મંદિરમાં રાત્રિના ૧૨ના ટકોરે જન્મોત્સવની ભવ્ય આરતી હજારો કૃષ્ણ ભકતોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયું હતું.
જન્માષ્ટમી પર્વના બીજા દિવસે આજે રવિવારે જગત મંદિરમાં પારણા નોમની પરંપરાગત ઉજવણી કરાઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા તથા ૫૬ ભોગ અન્નકૂટ મનોરથ દર્શન યોજાયા હતા.